Site icon Gujarat Mirror

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, એક જ દિવસમાં 12 ટકાનો તોતિંગ ઉછાળો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ‘બિનશરતી શરણાગતી’ની માંગ કર્યા પછી વિશ્ર્વભરમાં ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. ગત રાત્રે ક્રુડ ઓઈલમાં 13 ટકાનો વધારો નોંધાતા ક્રુડ ઓઈલના ભાવ પ્રથમ વખત 90 ડોલરને પાર થઈ ગયો છે.

ક્રુડ ઓઈલનો ભાવ હાલ 90.90 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે અને એપ્રિલ 2020 પછી આ સૌથી મોટો વધારો નોંધાયો છે. ભારત તેની ક્રુડ ઓઈલની જરૂરીયાતોના 90 ટકા આયાત કરે છે. આમાંથી લગભગ બે મીલીયન બેરલ દરરોજ હોર્મુઝ સ્ટ્રેટ માંથી પસાર થાય છે. ક્રુડ ઓઈલના ભાવ વધવાનું એક કારણ એક પણ માનવામાં આવે છે કે કતારે એવી ચેતવણી ઉચ્ચારી છે કે આવનારા થોડા દિવસોમાં ગલ્ફ પ્રોડકશન બંધ થઈ શકે છે.

કતારના એનર્જી મીનીસ્ટરે જણાવ્યું હતું કે, આ યુધ્ધ વિશ્ર્વની ઈકોનોમીને ધ્વંસ કરી શકે છે. આ વિધાન બાદ બ્રેન્ટ ક્રુડનો ભાવ 93 ડોલરને પ્રથમ વખત પાર થયું છે. જો ગેસ અને ઓઈલના ભાવ વધે તો યુએસ અને યુ.કે.જેવા દેશોમાં પણ આર્થિક મંદી આવી શકે તેમ છે. જો ઈરાન યુધ્ધ વધુ લાંબુ ચાલશે તો ક્રુડ ઓઈલનો ભાવ 150 ડોલર સુધી પહોંચવાની પણ આશંકા કતારના એનર્જી મીનીસ્ટરે ઉચ્ચારી છે.

હાલ ક્રુડ ઓઈલ WTI 90.90 ડોલર અને બ્રેન્ટ ઓઈલ 93.04 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. આવનારા દિવસોમાં જો વધુ હુમલા થશે તો ક્રુડ ઓઈલ 100 ડોલરને પાર નવા સપ્તાહમાં થશે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

સોનામાં 2000 અને ચાંદીમાં રૂા.6000 વધ્યા
એક બાજુથી ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે વાયદા બજાર રાત્રે બંધ થયું ત્યારે સોનામાં 2000 અને ચાંદીમાં 6000નો વધારો નોંધાયો હતો. રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 166380 જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 275285 પર જોવા મળી રહ્યો છે.

 

Exit mobile version