રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં સંકટ ઘેરું બન્યું: મહાયુતિની આજની બેઠક રદ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ રહ્યો હોય તેવુ જણાઈ રહ્યું હતું. આજે સાંજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠકો યોજાવાની હતી, પરંતુ તે રદ થઈ હોવાના અહેવાલો મળ્યા છે. એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત પોતાના વતન જવા રવાના થયા છે. તે આવતીકાલે પરત ફરશે તેવુ જણાવવામાં આવ્યું છે. અગાઉ મહાયુતિ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, શુક્રવારે મહાયુતિ નવી સરકારની રચના મુદ્દે સ્પષ્ટતા કરશે. તેમજ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે ભાજપના ધારાસભ્યોની બેઠક આવતીકાલે શનિવારે યોજાશે.
પરંતુ આ બેઠકો રદ થઈ હોવાના અહેવાલો મળતાં મહાયુતિ ગઠબંધનમાં ફરી પાછી પદ માટે વિવાદ સર્જાયો હોવાની અટકળો લગાવાઈ રહી છે. માનવામાં આવે છે કે મંત્રીઓની સંખ્યા અને મલાઇદાર ખાતાનાં શિવસેનાના હઠાગ્રહથી મામલો ગુંચવાયો છે. આજે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય શિરકાટેએ જણાવ્યું હતું કે શિંદે કેન્દ્રમાં નહીં જાય, જો તેઓ નાયબ મુખ્ય પ્રધાન બનવા તૈયાર નહીં થાય તો પક્ષનો બીજો કોઇ નેતા નાયબ મુખ્ય પ્રધાન બનશે.
આખરી નિર્ણય કાલ સુધીમાં શિંદે ખુદ કરશે. મીડિયા અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર એકનાથ શિંદે સરેન્ડર મોડમાં આવ્યા ગયા છે. તેમણે ગઈકાલે અમિત શાહ સાથેની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા સહમતિ આપી હતી.
તેમજ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રી પદ પર પીએમ મોદી અને અમિત શાહનો દરેક નિર્ણય મને માન્ય છે. પરંતુ અચાનક મહાયુતિની અંતિમ નિર્ણય લેવા મુદ્દેની બેઠક રદ થતાં રાજકારણમાં કંઈક નવાજુની થવાના એંધાણ મળ્યા છે.