જ્ઞાનેશકુમાર મામલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા તડાં

આગામી 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી ’ઇન્ડિયા’ ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજવાદી પાર્ટી (સપા) ના પ્રમુખ અખિલેશ યાદવ હાજરી આપવાના નથી. તેમણે પોતાની વ્યસ્તતા અને ઉત્તર…

આગામી 30 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી ’ઇન્ડિયા’ ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજવાદી પાર્ટી (સપા) ના પ્રમુખ અખિલેશ યાદવ હાજરી આપવાના નથી. તેમણે પોતાની વ્યસ્તતા અને ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયાનું કારણ આપીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને આ અંગે માહિતગાર કર્યા છે. જોકે, રાજકીય વર્તુળોમાં આ ગેરહાજરીને કોંગ્રેસ સાથે સીટ વહેંચણીના મુદ્દે ચાલી રહેલા મતભેદો સાથે જોડીને જોવામાં આવી રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા અને અન્ય રણનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મમતા બેનર્જી સહિતના દિગ્ગજ વિપક્ષી નેતાઓ ઉપસ્થિત રહેશે. અખિલેશ યાદવની ગેરહાજરીમાં સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ પ્રો. રામગોપાલ યાદવ સહિતના વરિષ્ઠ નેતાઓ કરશે. અખિલેશે લખનઉમાં સ્પષ્ટ કર્યું હતું કે અન્ય પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અને રાજ્યસભા સીટોના નોમિનેશનના કારણે તેઓ રાજ્યમાં જ રોકાશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નિયુક્ત નેતાઓ બેઠકમાં ભાગ લેશે.

આ સ્પષ્ટતા છતાં, અખિલેશની ગેરહાજરી માત્ર ’વ્યસ્તતા’ પૂરતી સીમિત ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી મામલે ખેંચતાણ ચાલી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાના પ્રસ્તાવ પર વ્યૂહરચના નક્કી થશે. બેઠકમાં પ્રસ્તાવ પર સહી પણ લેવાઈ શકે છે. કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષો જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ચૂંટણી પંચના નિર્ણયોની સ્વતંત્ર તપાસની માંગ વધારશે. દેશવ્યાપી આંદોલનની રૂૂપરેખા પણ બનશે.
બેઠકના ત્રણ મુદ્દા હોઈ શકે છે. સંસદમાં હટાવાના પ્રસ્તાવની વ્યૂહરચના અને સહી, રાજીનામા તથા તપાસની માંગ સાથે વધુ વિરોધ, અને પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં દેશવ્યાપી આંદોલન.

મુંબઇમાં ધરણાની CJPને પરમિશન ન મળી, હવે 2 ઓકટોબરે જેલભરો આંદોલન
મુંબઈ પોલીસે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ યોજાનારા દેખાવોની મંજૂરી અરજી ફગાવી દીધી છે. પોલીસે જણાવ્યું કે હાઈકોર્ટના અગાઉના ચુકાદા અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ દાદર સ્થિત ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાન ખાતે જાહેર મેળાવડા કે ધરણાં માટે મંજૂરી આપવાની પોલીસને સત્તા નથી. આંદોલનની પરવાનગી રદ થતાં સંગઠનના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે નાગરિકો પાસેથી શાંતિપૂર્ણ વિરોધ કરવાનો લોકશાહી અધિકાર છીનવવામાં આવી રહ્યો છે. જો પ્રશાસન તેમને ગાંધી જયંતીના દિવસે પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપે, તો તેઓ મુંબઈમાં વ્યાપક સ્તરે ’જેલ ભરો આંદોલન’ શરૂૂ કરશે.