ગુજરાત
લોધિકાના અભેપરના પ્લોટ સંબંધેના દાવાના આખરી નિકાલ સુધી પરિસ્થિતિ યથાવત્ રાખવા કોર્ટનો હુકમ
ત્રણ પ્લોટધારકોના માલિકીના પ્લોટોનો અન્યના નામે વેચાણ દસ્તાવેજો થયાની પોલીસમાં અરજી થતા કોર્ટના દ્વાર ખખડાવ્યા’તા
લોધિકા તાલુકાના અભેપર ગામના રેવન્યુ સર્વે નં. 96 પૈકીના જય રણછોડ પાર્ક તરીકે ઓળખાતાં જમીનના પ્લોટ્સ પૈકી પ્લોટ નં. 2, 3, 20 તથા પ્લોટ નં. 34, 35, 47, 52 અને 55 સંબંધેના દાવાના આખરી નિકાલ સુધી યથાવત્ પરિસ્થિતી જાળવી રાખવા કોર્ટે હુકમ કર્યો છે.આ કેસની હકિકત મુજબ લોધિકાના અભેપર ગામના રેવન્યુ સર્વે નં. 96 પૈકીના રહેણાંકના હેતુ માટેના બિનખેડવાણ અને ઈમારત બાંધવાની મંજૂરીવાળા જય રણછોડ પાર્ક તરીકે ઓળખાતાં જમીનના પ્લોટ્સ પૈકી પ્લોટ નં. 52 તથા પ્લોટ નં. 55 દામજીભાઈ મોહનભાઈ ભાલારાએ અને પ્લોટ નં. 34, 35, 47 કમલેશભાઈ દામજીભાઈ ભાલારાએ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ અને જે સંબંધિત રેવન્યુ રેકર્ડમાં તેઓના નામની નોંધ પ્રમાણિત થતાં ગામ નમૂના નં. 8-અ થી ખાતું આવેલ છે.
ઉપરોક્ત પ્લોટ્સના કાયદેસરના માલિકી હક્ક-અધિકારો તેમજ કબ્જો-ભોગવટો ઉપરોક્ત વિગતે દામજીભાઈ મોહનભાઈ ભાલારા, કમલેશભાઈ દામજીભાઈ ભાલારા અને જ્યોત્સનાબેન જેન્તીભાઈ દોંગાનો આવેલ હોવાનું જાણતા હોવા છતાં પ્લોટ્સના સવાલવાળા અન્ય વેચાણ દસ્તાવેજોની રૂૂઈએ લોધિકા પોલિસ સ્ટેશનમાં ખોટી અને ઉભી કરેલ હકિકતોવાળી અરજી દાખલ કરેલ. જે અરજી સંબંધિત વાદીઓ દ્વારા નિવેદન આપવામાં આવેલ અને તે પરથી વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ્સ અંગેના ઉષાબેન અશોકકુમાર બખતરીયાપુરી, ભીખચંદભાઈ પરમાનંદ માખેચા તથા કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામના ઉભાં કરાયેલ અલગ-અલગ વેચાણ દસ્તાવેજોની જાણ થયેલ.
જેથી વાદી જ્યોત્સનાબેન જેન્તીભાઈ દોંગાએ કોર્ટમાં પ્રતિવાદી ઉષાબેન અશોકકુમાર બખ્તરીયાપુરીના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. 20 અને પ્રતિવાદી કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. 2 તથા નં. 3નો સવાલવાળો વેચાણ દસ્તાવેજ રદ કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મળવા અંગેનો દાવો દાખલ કરી કામચલાઉ મનાઈહુકમની માંગણી કરેલ. તેમજ વાદી દામજીભાઈ મોહનભાઈ ભાલારા અને કમલેશભાઈ દામજીભાઈ ભાલારાએ પણ લોધિકા કોર્ટમાં પ્રતિવાદી ભીખચંદભાઈ પરમાનંદ માખેચાના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. 34 તથા 35, પ્રતિવાદી ઉષાબેન અશોકકુમાર બખ્તરીયાપુરીના નામનો પ્લોટ નં. 52 અને પ્રતિવાદી કવિતાદેવી દિલીપકુમાર લચ્છાણીના નામનો વાદગ્રસ્ત પ્લોટ નં. 47 તથા 55 નો સંયુક્ત પ્લોટનો ગોંડલની સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ સવાલવાળો વેચાણ દસ્તાવેજ રદ કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મળવા અંગેનો દાવો દાખલ કરી કામચલાઉ મનાઈહુકમની માંગણી કરેલ.
ઉપરોક્ત બંને દાવાના સમન્સ-નોટીસની પ્રતિવાદીઓને બજવણી થતાં તેઓના વકિલ મારફત જવાબ- વાંધા રજૂ રાખેલ. અદાલત સમક્ષ વાદીની કામચલાઉ મનાઈહુકમની અરજીની સુનવણી હાથ ધરાતાં અદાલતે વાદી એડવોકેટ મેહુલ વિ. મહેતાની રજૂઆત, દાવા સાથેના દસ્તાવેજો તેમજ અદાલત દ્વારા પ્રતિપાદીત સિદ્ધાંતો તેમજ પ્રતિવાદીની દલીલ તથા રજૂઆતને ધ્યાને લઈ બન્ને દાવાના કામે વાદીઓની કામચલાઉ મનાઈહુકમની અરજી મંજૂર કરી વાદગ્રસ્ત દાવાવાળા પ્લોટ સંબંધે પ્રતિવાદીઓ કે તેમના પ્રતિનિધીઓ એ દાવાવાળી મિલ્કતો વેચાણ, ગીરો, બક્ષીસ કે અન્ય કોઈ રીતે કોઈને ટ્રાન્સફર કરવી-કરાવવી નહીં કે તેમાં કોઈ બોજો ઉત્પન્ન કરવો-કરાવવો નહીં યાને કે સ્ટેટસ કવો યાને કે યથાવત્ પરિસ્થિતી દાવાનો આખરી નિકાલ થાય ત્યાં સુધી જાળવી રાખવાનો વાદી પક્ષની તરફેણમાં અને પ્રતિવાદી પક્ષની વિરુદ્ધમાંથ હુકમ ફરમાવેલ છે.ઉપરોક્ત બન્ને દાવામાં વાદીઓ વતી એડવોકેટ મેહુલ વિ. મહેતા અને એડવોકેટ ભૌતિક બી. કાલરીયા રોકાયેલ છે.