ગુજરાત
ચાંપા બેરાજા ગામે દંપતીનું સજોડે વિષપાન: પતિનું મોત
પત્નીનો બચાવ: પતિના હાથની આંગળી કપાતા કામ ન થઇ શકવાના મુદ્દે ભર્યુ’તું પગલું
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં ભારે ચકચાર જનક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સજોડે આપઘાત નો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પત્ની ની હાલતમાં સુધારો થતાં રજા અપાઇ છે. પતિની હાથની આંગળી કપાઈ જતાં કામ થઈ શકતું ન હોવાથી આપઘાતનું પગલું ભર્યું હતું, તેને જોઈ જતાં પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વતની ભદ્રેશસિંહ મંગુભાઈ જાડેજા (ઉ.વ.34) કે જેઓ અગાઉ અમદાવાદમાં રહેતા હતા, અને એક કારખાનામાં કામ કરતા હતા. ત્યાં તેઓની હાથની આંગળી કપાઈ ગઈ હતી, અને કામ કરી શકતા ન હતા. દરમિયાન તેઓ જામનગર પોતાના વતન ચાંપાબેરાજા ગામે આવી ગયા હતા.
અને ગત 27 મી તારીખે રાત્રિના સમયે ભદ્રેશસિંહે પોતાની હાથની તકલીફ ના કારણે જિંદગીથી તંગ આવી જઇ ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. આ વેળાએ તેમના પત્ની હિરલબા ભદ્રસિંહ જાડેજા કે જેઓ જોઈ ગયા હતા, અને પતિ ના હાથમાંથી ઝેરી દવા ની બોટલ ઝુંટવી લઈ પોતે પણ ઘુંટડો મારી લીધો હતો. આ બનાવ બાદ પતિ-પત્ની બંનેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં સારવાર દરમિયાન ભદ્રેશસિંહ જાડેજા નું મૃત્યુ નિપજ્યું હતું. જોકે પત્ની હિરલબાની તબિયતમાં સુધારો થતાં તેણીને જી.જી. હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. જે બનાવા અંગે હિરલબા જાડેજા એ પોલીસને જાણ કરતાં પ્રોબેશનલ એએસઆઈ એમ.એમ. જાડેજા બનાવવાના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, ત્યારબાદ તેઓએ હીરલબાનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં જાહેર કરાયું હતું, કે પોતાના પતિ ભદ્રસિંહ કે જેઓની હાથની આંગળી કપાઈ ગઈ હોવાથી કામ કરી શકતા ન હોવાના કારણે આપઘાત નું પગલું ભરી લીધું હતું, અને પતિના આ પગલાથી ડગાઈ જવાના કારણે પોતે પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને લઈને ચાંપાબેરાજા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.