જૂનાગઢ જિલ્લાના કેશોદ નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ચાંદીગઢ પાટિયા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પૂરઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે.
મૃતક દંપતીની ઓળખ ખીમા વરજાંગ રાવલિયા અને સાજણબેન ખીમાભાઈ રાવલિયા તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિકોની મદદથી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે કેશોદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને આ માર્ગ અકસ્માત અંગે વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
