ધોરાજીમાં દંપતીનો સજોડે આપઘાત

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા વાણંદ સમાજના વૃદ્ધ દંપતીએ…

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી એક અત્યંત કરૂૂણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા વાણંદ સમાજના વૃદ્ધ દંપતીએ કોઈ અગમ્ય કૌટુંબિક કારણોસર મોડી રાત્રે ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવથી સમગ્ર વિસ્તાર સહિત વાણંદ સમાજમાં ભારે અરેરાટી અને ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

મળતી માહિતી મુજબ, જમનાવડ રોડ પર રહેતા જીતુભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુભાઈ જીતુભાઈ રાવરાણીએ પોતાના ઘરે મોડી રાત્રે કોઈ પારિવારિક કારણોસર એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોઈને ધોરાજી પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પ્રાથમિક પંચનામું કર્યા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જીતુભાઈ અને મધુભાઈ જેવા ઉંમરલાયક દંપતીએ અચાનક આવું આકરું અને અંતિમ પગલું શા માટે ભર્યું, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ધોરાજી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવારજનો તથા સગા-સંબંધીઓની પૂછપરછ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે.