કોંગ્રેસની કરુણતા, દિલ્હી-આંધ્ર પ્રદેશ બાદ બંગાળમાં પણ ‘ઝીરો’ની હેટ્રિક ભણી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીની આંધી વચ્ચે કોંગ્રેસ પક્ષ ફરી એકવાર અસ્તિત્વની લડાઈ લડી રહ્યો હોય તેમ જણાય છે. અત્યાર સુધીના વલણો…

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીની આંધી વચ્ચે કોંગ્રેસ પક્ષ ફરી એકવાર અસ્તિત્વની લડાઈ લડી રહ્યો હોય તેમ જણાય છે. અત્યાર સુધીના વલણો મુજબ, બંગાળમાં કોંગ્રેસનું ખાતું ખુલવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. જો આ વલણો પરિણામમાં બદલાશે, તો બંગાળમાં કોંગ્રેસ સતત બીજી વખત ’ઝીરો’ પર આઉટ થશે.

માત્ર બંગાળ જ નહીં, પરંતુ દેશના રાજકીય નકશા પરથી કોંગ્રેસ ધીમે-ધીમે ભૂંસાઈ રહી હોય તેવું ચિત્ર છે. હાલમાં જે 5 રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે, તેમાં અસમમાં પણ ભાજપ એકતરફી જીત તરફ છે અને કોંગ્રેસ ઘણી પાછળ છે. દક્ષિણ ભારતમાં માત્ર કેરળ જ એક એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ ગઠબંધન થોડી લડત આપી રહ્યું છે.

કોંગ્રેસની આ સ્થિતિ નવી નથી. દિલ્હીમાં 2015, 2020 અને હવે 2025 એમ સતત ત્રણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. આ ઉપરાંત નાગાલેન્ડ (2023)માં પણ કોંગ્રેસના ફાળે શૂન્ય બેઠક આવી હતી. તો આંધ્રપ્રદેશ (2024)માં 158 બેઠકો પર ચૂંટણી લડવા છતાં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહોતી. આ ઉપરાંત અન્ય રાજ્યો જેમ કે બિહાર, યુપી, હરિયાણા અને અસમમાં પણ પાર્ટીનું પ્રદર્શન કંગાળ રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં 2021માં પણ કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. અત્યારના માહોલને જોતા લાગે છે કે કોંગ્રેસ માટે લોકશાહીમાં પુનરાગમન કરવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે.