Site icon Gujarat Mirror

કોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠક

 

શક્તિસિંહે હારની જવાબદારી સ્વીકારી પણ પરિણામ પહેલાં કરતા સારા હોવાનું જણાવ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ફરી એકવાર નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું છે. રાજ્યની 68 નગરપાલિકાઓમાંથી 62 પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ માત્ર એક નગરપાલિકા જીતવામાં સફળ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ અત્યંત નબળો રહ્યો હતો.

શહેર હોય કે ગામડું, કોંગ્રેસને દરેક જગ્યાએ પછડાટ મળી છે. સૌથી ચિંતાજનક બાબત એ રહી કે, રાજ્યની 22 નગરપાલિકાઓમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. આ નગરપાલિકાઓમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, જે પક્ષની નબળી સ્થિતિ દર્શાવે છે 22 નગરપાલિકાઓ જ્યાં કોંગ્રેસ શૂન્ય પર રહી તેમા મહુધા, હાલોલ, ભચાઉ, કુતિયાણા, કરજણ, રાણાવાવ, મહેમદાવાદ, આંકલાવ, ધરમપુર, કોડીનાર, ખેડા, ઓડ, ઝાલોદ, જામ જોધપુર, બાંટવા, ચલાલા, જાફરાબાદ, ડાકોર, દ્વારકા, રાજુલાનો સમાવેશ થાય છે .

જોકે, કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસે એકાદ બેઠક જીતીને થોડું નાક બચાવ્યું હતું. માણસા નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી અન્ય નગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન જોઇએ તો છોટા ઉદેપુર: 8, કોંગ્રેસ 1, તલોદ: 24 બેઠકોમાંથી , કોંગ્રેસ 1, ચકલાસી: 28 બેઠકોમાંથી , કોંગ્રેસ 1, વલસાડ: 44 બેઠકોમાંથી , કોંગ્રેસ 1, અને હળવદ: 28 બેઠકોમાંથી , કોંગ્રેસ 1 બેઠક મળી છે.

આ પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસને જમીની સ્તરે ફરીથી સંગઠન મજબૂત કરવાની અને લોકોનો વિશ્વાસ જીતવાની તાતી જરૂૂરિયાત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલો આ રકાસ કોંગ્રેસ માટે એક ગંભીર સંકેત છે. ભાજપે કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં જીત મેળવીને કોંગ્રેસના પાયાને હચમચાવી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની આ ભવ્ય જીત કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે, જ્યારે ભાજપ માટે ઉજવણીનો અવસર છે. આ પરિણામો ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.

ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીના પરિણામને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી કે 2018 માં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 78 કોંગ્રેસના ધારાસભ્યો હતા અને સાથી પક્ષોના 3 ધારાસભ્યો મળીને 81 ધારાસભ્યો હતા. ત્યારે જે પરિણામ આવ્યા હતા, તે પરિણામો અત્યારના સમયમાં જોઈએ તો અમારા 12 ધારાસભ્યો છે તો પણ પરિણામો પહેલા કરતા સારા છે. કોંગ્રેસે ભાજપના નેતાઓ પૈસા વેચી રહ્યા છે તેઓ વિડીયો વાયરલ કર્યો હતો. ભાજપ કેવી રીતના ચૂંટણી જીતે છે. તે તમને વીડિયો પરથી ખબર પડી જાય. ભાજપના નેતાએ કહ્યું કે, તમે મને મત નહીં આપો તો તમારા ઘર પર બુલડોઝર ફેરવી દઈશ. બનાસકાંઠાના સાંસદ કોંગ્રેસના છે, તો સરકારે ધાનેરામાં ચૂંટણીનું ન કરાવી.

ભાજપ મુસ્લિમોને એમ કહેતી કે તમે મત આપશો તો મારી મત પેઢી અભડાશે, એ ભાજપ એ મુસ્લિમોને પણ ટિકિટ આપી. કુતિયાણામાં અને રાણાવાવમાં અમારા સ્થાનિક નેતાઓને થયું કે અહીંયા કોંગ્રેસના ઉમેદવાર ઊભા ન રાખવા જોઈએ, કારણ કે ત્રિપાંખિયો જંગ થશે અને ભાજપ જીતશે, માટે અમે ઉમેદવાર ઉભા ન રાખ્યા, અને ભાજપ હારી છે. આ પરિણામ ની જવાબદારી પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી છે, હું આ પરિણામ સ્વીકારું છુ. ભવિષ્યમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને તેના માટે અમે વધુ મહેનત કરશું.

કોંગ્રેસ કરતા AAPનું પ્રદર્શન સારું: ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ અલગ અલગ નગરપાલિકાઓમાં 500થી વધુ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી લગભગ 35થી વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા સામ-દામ દંડ ભેદની નીતિથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બેસાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા અને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા. તેમ છતાં પણ આમ આદમી પાર્ટીએ 35થી વધુ મહત્વપૂર્ણ સીટ પર જીત હાસિલ કરી અને ઘણી નગરપાલિકાઓમાં વિપક્ષની મુખ્ય ભૂમિકાઓમાં પણ આમ આદમી પાર્ટી રહેશે. આ મહત્વપૂર્ણ જીત પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓનો અને જનતાનો આભારો માન્યો અને સાથે સાથે જાહેરાત કરી કે આવનારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 8000થી વધુ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતરશે.

Exit mobile version