દેશના વર્તમાન રાજકીય પ્રવાહો અને જનતાને સ્પર્શતા મુદ્દાઓને લઈને ’કોંગ્રેસ પાર્ટી’ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સંગઠનને ધારદાર બનાવવા માટે એક મોટી પહેલ કરી છે. તેમણે દેશના મહત્વપૂર્ણ રાજ્યોના નેતાઓ સાથે આગામી રણનીતિનો રોડમેપ તૈયાર કરવા માટે કમર કસી છે.
આ સંદર્ભે એક ’હાઈલેવલ મીટિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠક કાલે સવારે 10:00 વાગ્યે દિલ્હી સ્થિત ’કોંગ્રેસ મુખ્યાલય’, ઇન્દિરા ભવન ખાતે યોજાશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ચર્ચા કરવાનો નથી, પરંતુ જમીની સ્તરે પક્ષને મજબૂત કરવાનો છે.
આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી ઉપરાંત સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જે 8 રાજ્યો પર ફોકસ કરવામાં આવ્યું છે, ત્યાંના પ્રભારીઓ, ’પ્રદેશ પ્રમુખો’, વિધાનસભા પક્ષના નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો પણ ભાગ લેશે અને પોતાના રાજ્યોનો રિપોર્ટ રજૂ કરશે.કોંગ્રેસ નેતૃત્વ જે 8 રાજ્યો પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે તેમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ , છત્તીસગઢ, ઓડિશા અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
આ બેઠક માત્ર ઔપચારિક નથી, પરંતુ તેમાં ગંભીર મુદ્દાઓ પર ’બ્લુપ્રિન્ટ’ તૈયાર કરવામાં આવશે. એજન્ડામાં સૌથી ઉપર મનરેગા યોજના છે. ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને લઈને વર્તમાન સરકારની નીતિઓ અને તેના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ પર વિસ્તૃત ચર્ચા થશે અને તેના વિરોધની રૂૂપરેખા ઘડવામાં આવશે.
બેઠકનો બીજો અને સૌથી મહત્વનો મુદ્દો પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરાર છે.
કોંગ્રેસનું માનવું છે કે આ કરારથી ભારતીય ’ખેડૂતોને’ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આ વાત સામાન્ય જનતા અને ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડવી, તેની આક્રમક રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવશે.
આ ઉપરાંત, પાર્ટીના પાયાના કાર્યકરો એટલે કે ’ગ્રાસરૂૂટ વર્કર્સ’ને સક્રિય કરવા અને લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે આંદોલનાત્મક કાર્યક્રમોની પણ રૂૂપરેખા તૈયાર થઈ શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ બેઠક દ્વારા સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે પાર્ટી હવે જનતાના મુદ્દાઓ પર ચૂપ નહીં બેસે.

