થોરીયાળી બેઠક પર આઝાદી કાળથી કોંગ્રેસનો કબજો યથાવત

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ચર્ચાસ્પદ બનેલી થોરાળી બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસે ફરી એક વખત પોતાનો પરંપરાગત ગઢ જાળવી રાખી શાનદાર જીત…

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ચર્ચાસ્પદ બનેલી થોરાળી બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસે ફરી એક વખત પોતાનો પરંપરાગત ગઢ જાળવી રાખી શાનદાર જીત નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ ગોપાલભાઈ સિંગાળાએ ભાજપના પ્રતિસ્પર્ધીને પરાજય આપી આ બેઠક પર વિજયપતાકા લહેરાવી છે. આઝાદી બાદ આજ સુધી આ બેઠક ઉપર ભાજપ જીતી શકયુ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારનું અચાનક હાર્ટ એટેક આવવાના કારણે દુ:ખદ અવસાન થયું હતું. ઉમેદવારના આકસ્મિક નિધન બાદ આ બેઠક ખાલી પડતાં નિયમ મુજબ પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. સમગ્ર પંથકમાં આ ચૂંટણીને લઈને ભારે રાજકીય ઉત્તેજના અને રસાકસી જોવા મળી રહી હતી.

મતગણતરીના અંતે જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર કોંગ્રેસ લક્ષ્મણભાઈ ગોપાલભાઈ સિંગાળા (1,595 મત)ભાજપના માલદેભાઈ દેવજીભાઈ પીપળીયાને (1,367 મત) અને અપક્ષ સુરેશભાઈ નારણભાઈ બારીયાને (126 મત) નોટાને 39 મત મળ્યા હતા.

ચૂંટણી પરિણામો મુજબ કોંગ્રેસના લક્ષ્મણભાઈ સિંગાળાએ ભાજપના ઉમેદવાર માલદેભાઈ પીપળીયા સામે 228 મતોની સરસાઈ મેળવી ભવ્ય જીત હાંસલ કરી છે. આ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ બારીયાને માત્ર 126 મતોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે 39 મતદારોએ તમામ ઉમેદવારોને નકારીને ’નોટા’નો વિકલ્પ પસંદ કર્યો હતો.

થોરીયાળી-ખોડાપીપર બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા પણ જીત મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપના મોટા અગ્રણીઓએ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. જોકે, આ પ્રયાસો છતાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળા વિજયી બન્યા હતા.

કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિત અન્ય અગ્રણીઓએ પ્રચારની જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસના સ્થાનિક સંગઠન અને આગેવાનો દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેનું પરિણામ પક્ષની જીતના સ્વરૂૂપમાં સામે આવ્યું છે. પીઢ કોંગ્રેસી આગેવાન ડોક્ટર ડાયાભાઈ પટેલના ગામમાં પણ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે. થોરીયાળી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ 74.95 ટકા મતદાન નોંધાયું હતું.

થોરીયાળી બેઠક રાજકીય રીતે કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આઝાદી બાદથી આ બેઠક પર ભાજપને જીત મળી નથી. પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસે પોતાની પકડ જાળવી રાખતાં સ્થાનિક રાજકારણમાં પક્ષનું વર્ચસ્વ ફરી એકવાર સામે આવ્યું છે. થોરીયાળી બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો કબજો જાળવી રાખવામાં સફળ રહેતાં પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ભાજપ માટે આ બેઠક પર જીત મેળવવાનો પડકાર યથાવત રહ્યો છે.