ગાંધીનગરમાં 1111 ટ્રેકટર સાથે કોંગ્રેસની કૂચ

સરકાર અને ખાનગી કંપનીની મીલીભગતથી ખેડૂતોના ન્યાય માટે ઉમટી પડવા હાકલ કરતા જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયા ગુજરાતમાં ખેડૂતોની મરજી વિરૂૂદ્ધ અને કલેક્ટરની મંજૂરી વિના…

સરકાર અને ખાનગી કંપનીની મીલીભગતથી ખેડૂતોના ન્યાય માટે ઉમટી પડવા હાકલ કરતા જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયા

ગુજરાતમાં ખેડૂતોની મરજી વિરૂૂદ્ધ અને કલેક્ટરની મંજૂરી વિના જમીનોમાં ગેરકાયદેસર રીતે વીજળીના થાંભલા ઊભા કરવા મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સરકારની મનમાનીનાં વિરોધમાં મહારેલી યોજવાની જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ અને 23 કિસાન સંગઠનો દ્વારા આગામી 15મી તારીખે ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરો સાથે એક વિશાળ રેલી યોજાશે. અને ખેડૂતોને ન્યાય આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

ગુજરાતમાં વીજળીના થાંભલા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની મરજીની વિરુદ્ધ ખેડૂતોનું કોઈ અસ્તિત્વ ન હોય તે રીતે કંપનીઓ દ્વારા ખેડૂતોની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે વીજળીના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. આ થાંભલાની 67 મીટરની ત્રિજ્યામાં જે વ્યાપમાં વીજળીનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે, તે સિવાયની જગ્યામાં લગભગ 0.75 કિલોમીટર સુધીનો એરિયા કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર અને ખેડૂતોની મરજી વિરુદ્ધ ચારેબાજુ દોરડા ખેંચીને અને માલસામાન પાથરીને કબજે કરી લીધો છે.

જો ખેડૂતો વળતર માગે તો પોલીસને આગળ કરી બેફામ રીતે તેમની સાથે મારકૂટ કરવામાં આવે છે. આ તમામ બાબતોની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને સરકારને ચેતવણી આપવામાં આવશે કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો.

સરકાર ત્રણ ત્રણ કાયદાની ઉપરવટ જઇને જંત્રીના 25 ટકા રકમ આપી ખેડૂતોનું શોષણ કરે છે: પાલ આંબલિયા
કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 1885ના ટેલિગ્રાફ એક્ટ, 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 ના જમીન સંપાદન કાયદા પર બુલ ડોઝર ફેરવી ખાનગી વીજ કંપનીઓના ફાયદાઓ માટે રાજ્ય સરકારે કાયદાઓથી ઉપરવટ જઈ 2017, 2021, 2023, 2024 ના પરિપત્ર કર્યા છે જેમાં ખેડૂતોને જંત્રી ભાવે થતી કુલ રકમના માત્ર 25% રકમ આપવાના પરિપત્ર કરવામાં આવ્યા છે. નુકસાનની વ્યાખ્યામાં જમીનની ઘટતી કિંમત, પાક નુકશાન, ભવિષ્યના જોખમને પણ ધ્યાનમાં લેવાની જોગવાઈ છે જે પરિપત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી.
કલેક્ટર દ્વારા થયેલા આ હુકમના આધારે DSP પોલીસ પ્રોટેક્શન ફાળવે છે જ્યાં જ્યાં કલેક્ટર હુકમ કરે છે ત્યારે 200 સદ લાઈનમાં 26 મીટર, 400 kv લાઈનમાં 46 મીટર અને kv સદ લાઈનમાં 67 મીટર કોરિડોર નક્કી કરવામાં આવે છે અને કંપનીને નક્કી થયેલા કોરિડોરમાં જ કામ કરવાની છૂટ મળે છે અને એટલી જગ્યા માટે જ પોલીસ પ્રોટેક્શન મળે છે એની જગ્યાએ ખેડૂતોને તેના આખા ખેતરમાં જવા માટે પોલીસ રોકે છે . જે ખેડૂતોના ખેતરમાં હુકમ છે એની આસપાસના બીજા 10 ખેડૂતોના ખેતરમાં પણ પોલીસ જવા દેતી નથી.