Site icon Gujarat Mirror

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાત

ગૃહ કલેશ બાદ પતિ યશરાજસિંહે પત્ની રાજેશ્ર્વરીબાને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ઘરબી દીધી અને 108ને ફોન કર્યો, મેડિકલ ટીમ પત્નીને લઈ ગયા બાદ પોતાના માથે ગોળી ધરબી દીધી: બે માસ પૂર્વે લગ્નગ્રંથીએ જોડાયેલા નવયુગલના મોતથી પરિવારમાં શોક, વતન હનુભા (લીમડા) ખાતે અંતિમ વિધિ

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને મેરીટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની રાજેશ્વરી ગોહિલ સાથેના ઝઘડા બાદ પોતાની પરવાનાવાળી રિવોલ્વર માંથી પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં રહેતા મેરીટાઈમ બોર્ડના અધિકારી ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 108ને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. બે માસ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલ યશરાજસિંહ અન એ રાજેશ્વારીબા વચ્ચે ઝઘડો વધતા યશરાજસિંહે પોતાની પાસે રહેલા લાયસન્સ વાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરીબા ઉપર પર ફાયરિંગ કર્યું હતું. પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી, જેથી યશરાજે 108ને જાણ કરી હતી. 108 પહોંચતા તબીબ દ્વારા રાજેશ્વરીબાને મૃત જાહેર કરવામાં આવી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજસિંહે પણ પોતાના માથે હથિયાર વડે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા. ઘટનાસ્થળે ઝોન-1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને વસ્ત્રાપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.આ ઘટનાની જાણ થતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ તેમજ અન્ય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવર ખાતે દોડી આવ્યા હતા. મૃતક યશરાજસિંહ અને રાજેશ્વરી બાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યશરાજસિંહની અંતિમવિધિ તેમના વતન હનુભા (લીમડા)ગામે કરવામાં આવશે.

યશરાજસિંહ મેરીટાઇમ બોર્ડના અધિકારી હતા
અમદાવાદના જજીસ બંગલા રોડ પર એનઆરઆઇ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહીલે પોતાની પત્ની રાજેશ્વરીબા ઉપર ફાયરીંગ કરી પોતે પણ આપઘાત કરી લીધો હોય આ બનાવમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યશરાજસિંહ મેરીટાઇમ બોર્ડમાં કલાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને બે માસ પુર્વે તેમના લગ્ન રાજેશ્વરીબા સાથે થયા હતા. બન્ને વચ્ચે એવું તે શું બન્યું કે આ ખુની ખેલ ખેલાયો? આ ઘટનાથી યશરાજસિંહ સાથે ફરજ બજાવતા તેના સ્ટાફ અને પરિવાર અને મિત્રોમાં શોક વ્યાપી ગયો છે.

Exit mobile version