Site icon Gujarat Mirror

ગ્રાહકે હુમલો કરી દુકાનદારનું માથું ફોડી નાખતા ફરિયાદ

સ્વામિનારાયણ નગર નજીક બનાવ બન્યો

જામનગરના સ્વામીનારાયણ નગર પાછળ ડ્રીમ સિટીમાં રહેતા એક વૃદ્ધ પોતાની દુકાન બંધ કરીને ગઈકાલે બપોરે જમવા ઘેર આવ્યા ત્યારે માલ ખરીદવા આવેલા એક ગ્રાહકે અત્યારે જ માલ આપો તેમ કહી ગાળો ભાંડી પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખ્યા ની ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા હાલાર હાઉસ નજીકના સ્વામીનારાયણ નગર પાછળ ડ્રીમ સિટીમાં રહેતા દિવ્યકાંત રામજીભાઈ જેઠવા નામના વૃદ્ધ ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે પોતાના ઘરે જમવા આવ્યા હતા.

આ વેળાએ તેઓની દુકાન બંધ જોઈને પ્રવીણ ચાવડા નામનો ઈન્દિરા સોસાયટીમાં રહેતો શખ્સ ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે બારણું ખખડાવતા દિવ્યકાંતભાઈના પુત્ર બકુલભાઈએ મારા પિતા જમવા બેઠા છે, જમીને સામાન કાઢી આપશે તેમ કહેતા પ્રવીણે ગાળો ભાંડી હતી. વચ્ચે પડેલા દિવ્યકાંતભાઈને આ શખ્સે પથ્થર ઉપાડીને માથામાં ઝીંકી દીધો હતો. જેથી તેઓને માથામાં ઇજા થઈ હતી અને માથું ફૂટી જવાના કારણે સરકારી જીતી હોસ્પિટલમાં માથામાં ટાંકા લેવા પડ્યા હતા. પોલીસે તેમની ફરિયાદ પરથી પ્રવીણ ચાવડા સામે ગુન્હો નોંધ્યો છે.

Exit mobile version