કોમર્સિયલ LPG સિલિન્ડરમાં રૂા.42, 5 કિલોવાળામાં રૂા.11નો તોતિંગ વધારો

  નવા મહિનાની શરૂૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ…

 

નવા મહિનાની શરૂૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.

નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹42 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશના જુદા જુદા મહાનગરોમાં ઓઇલ કંપનીઓ દ્વારા સ્થાનિક ટેક્સના આધારે અલગ-અલગ ભાવવધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹42 વધીને હવે ₹3113.50 થઈ ગઈ છે. કોલકાતામાં વેપારીઓ પર સૌથી વધુ બોજ પડ્યો છે, જ્યાં કિંમત ₹53.50 વધીને ₹3255.50 પર પહોંચી ગઈ છે. આ ભાવવધારાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક એકમો ચલાવતા નાના-મોટા વેપારીઓનું બજેટ ખોરવાશે અને બહાર ખાવા-પીવાનું મોંઘું થઈ શકે છે.

માત્ર મોટા જ નહીં, પરંતુ નાના વેપારીઓ અને મજૂર વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા 5 કિલોગ્રામના FTL (Free Trade LPG)સિલિન્ડરની કિંમતમાં પણ કંપનીઓએ ₹11નો ઉમેરો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 5 કિલોનો નાનો સિલિન્ડર હવે ₹821.50ની નવી કિંમતે મળશે.

વર્ષ 2026ની શરૂૂઆતથી જ કોમર્શિયલ ગેસના ભાવમાં સતત આગ લાગી રહી છે. છેલ્લા 6 મહિનાના આંકડા પર નજર કરીએ તો કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2026: દિલ્હીમાં ભાવ ₹1691.50 હતો. ફેબ્રુઆરી: ₹49નો વધારો. માર્ચ: ₹115નો વધારો. એપ્રિલ: ₹195.50નો વધારો. મે: પ્રતિ સિલિન્ડર રેકોર્ડબ્રેક ₹993નો તોતિંગ વધારો થયો હતો. જૂન: ફરી ₹42 વધતા હવે કિંમત ₹3113.50 થઈ ગઈ છે. આમ, જાન્યુઆરીમાં જે સિલિન્ડર આશરે ₹1691.50 માં મળતું હતું, તે જૂન આવતા-આવતા ₹3113ને પાર થઈ ગયું છે, જેનાથી વેપાર જગતમાં ચિંતાનો માહોલ છે.