મહુડી મંદિરના નામે રૂા.21.79 લાખનું દાન મેળવી ઓનલાઇન સટ્ટામાં ઉડાવી દીધા

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાનના નામે એક મોટી છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી.…

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાનના નામે એક મોટી છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી. મહુડી મંદિરના કર્મચારીના પુત્રે દાન અને નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના નામે ફોન કરીને 20 દિવસ પૈસા લીધે રાખ્યાં હતા.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મયૂર શાહ દાન નામે છેતરપિંડીનો ભોગ બન્યાં હતા. આરોપ છે કે 23 જુલાઈએ તેજસ શાહ નામના વ્યક્તિએ મયૂર શાહને ફોન કરીને કહ્યું હતું કે નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું, તમારે કોઈ રકમ દાન કરવાની છે? જેથી મયુરભાઈ હા પાડતા તેજસે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો, જેમાં મયુરભાઈ પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેજસે મહારાજ સાહેબના નામે વધુ રકમ માંગતા મયુરભાઈએ દાન સમજીને આપી હતી. આ પછી પણ આરોપીએ ફોન કરતાં મયૂર શાહે 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીમાં કુલ 21.79 લાખ રૂૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

પૈસા આપ્યા બાદ એક વાર ખાતરી કરવા માટે મયૂર શાહે ફોન કર્યો પરંતુ તેજસ શાહનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ મયૂર શાહે તેમના દીકરા દ્વારા ઉપાશ્રયમાં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મહારાજને નામે દાનની રકમ અંગે કોઈ ફોન કરાયો નહોતો. દાનની રકમ તેજસ શાહે ઓનલાઇન ગેમિંગમાં ઉડાવી દીધી હતી.