સિંહોના મોતના મામલે CMની હાઇલેવલ બેઠક, 17 સાવજ ‘આઇસોલેશનમાં’

વનતંત્રની ઘોર બેદરકારી સામે પર્યાવરણ પ્રેમીઓનો રોષ, મરેલા ઢોરનું માંસ ખાવાથી સિંહો બિમાર પડયા હોવાનો આક્ષેપ અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી…

વનતંત્રની ઘોર બેદરકારી સામે પર્યાવરણ પ્રેમીઓનો રોષ, મરેલા ઢોરનું માંસ ખાવાથી સિંહો બિમાર પડયા હોવાનો આક્ષેપ

અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ, અધિક અગ્ર સચિવ, વન પર્યાવરણ અગ્ર સચિવ અને મુખ્ય વન સંરક્ષક જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અધિકારીઓ દ્વારા ગીર વિસ્તારમાં થયેલા સિંહોના મૃત્યુ સામે વન વિભાગે લીધેલા પગલાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

બેઠકમાં વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવે માહિતી આપી હતી કે 4 સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે.ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીના લક્ષણો જણાઇ આવ્યા નથી.

અમરેલી અને ભાવનગર જીલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરિક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. ઉનાળાની શરૂૂઆતમાં જોવા મળતી આવી સીઝનલ બિમારી સામે સલામતીના ભાગ રૂૂપે ગીર વિસ્તારના 350થી વધુ સિંહોના ડી ટીકીંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબિબો પણ જોડાયા છે.

વિશ્વભરમાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં વનરાજની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. માનવ બેદરકારી અને વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે ગીરના સિંહો સડેલા માલઢોર ખાવા મજબૂર બન્યા છે, જેના લીધે તેઓ ગંભીર રોગોનો શિકાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ જસાધાર અને જામવાળા વિસ્તારમાં સિંહોના મોતના સમાચારે સિંહપ્રેમીઓમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જગાડ્યો છે.

ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલી ’સદાવાળી ધાર’ નજીક ગ્રામજનો દ્વારા ગામનો કચરો અને મરણ પામેલા પશુઓને બેરોકટોક પણે ઠાલવવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જંગલ બોર્ડરને અડીને આવેલો છે. થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ અને ઉમેદપરા જેવા વિસ્તારોમાં હાલ 35થી 40 સિંહોનો કાયમી વસવાટ છે અને આ સિંહોની સદાવાળી ધાર નજીક રોજિંદી અવર-જવર રહે છે. ગીરમાંથી બહાર નીકળવા માટે સિંહો ફરેડા અને ઝાંખિયાના રસ્તાનો જ ઉપયોગ કરે છે, જ્યાં જંગલની સરહદ પર જ આ ગંદકી ફેલાયેલી છે.

સિંહ તાજો શિકાર કરે તો લોકો ભગાડી મૂકે છે, જૂનું સડી ગયેલું માંસ ખાવા મજબૂર
કરસનભાઈ બાબરીયા અને બાલુભાઈએ સિંહોની આ દયનીય સ્થિતિ પાછળ માનવ દખલગીરીને જવાબદાર ઠેરવી છે. જ્યારે કોઈ સિંહ ગામની આસપાસ આવીને કુદરતી રીતે પશુનું મારણ કરે છે, ત્યારે લોકોના ટોળેટોળા ત્યાં એકઠા થઈ જાય છે અને દેકારો મચાવે છે. આ ખલેલના કારણે સિંહ પોતાનું તાજું મારણ શાંતિથી ખાઈ શકતો નથી અને તેને અધવચ્ચે છોડીને ભાગી જવું પડે છે. સિંહ ગયા બાદ ગામલોકો એ મરેલા પશુને ઉંચકીને ’સદાવાળી ધાર’ કે ઉકરડા પર ફેંકી દે છે. 4-5 દિવસ સુધી ભૂખ્યો અને અશક્ત બનેલો સિંહ આખરે જીવ બચાવવા માટે એ જ જગ્યાએ જાય છે અને ત્યાં પડેલું ત્રણ-ચાર દિવસ જૂનું, સડી ગયેલું તથા ઈતરડીઓ-જીવાત પડેલું માંસ ખાવા મજબૂર બને છે. પૂરતો અને તાજો ખોરાક ન મળવાને કારણે સિંહો આંતરિક રીતે અત્યંત નબળા પડી રહ્યા છે.

 

ગીરમાં સિંહબાળોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા: GPSCની ભરતીમાં અનુભવની અવગણના થતાં સેવા છોડી
ગીરના જંગલોમાં એશિયાટિક સિંહો પર ’બેબીસિયા’ અને ચેપી રોગચાળાનું સંકટ મંડાયું છે, જેમાં તાજેતરમાં જ 3 સિંહબાળ સહિત 5 સિંહોના મોત નીપજ્યા છે. આ ગંભીર વહીવટી અને તબીબી કટોકટી વચ્ચે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવોની સારવાર કરતા 12 જેટલા કરાર આધારિત વેટરનરી ડોક્ટરોએ સામૂહિક રાજીનામાં ધરી દેતાં વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. સિંહોના મોતના આ સિલસિલા વચ્ચે આટલી મોટી સંખ્યામાં ડોક્ટરોએ સેવા છોડતા ગીરમાં વન્યજીવોની સારવારની સ્થિતિ વધુ વણસવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે ફક્ત બે કરાર આધારીત ડોકટર વધ્યા છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ વેટરનરી ઓફિસર વર્ગ-2 ની 18 કાયમી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ષોથી ગીર, સક્કરબાગ, બર્ડા અને અન્ય વન વિસ્તારોમાં રાત-દિવસ જોયા વગર સિંહો અને દીપડા જેવા હિંસક વન્યજીવોની સારવાર કરતા કરાર આધારિત તબીબોના અનુભવને આ ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.

રાજીનામું આપનારા ડોક્ટરોનું કહેવું છે કે, અગાઉ ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરની ભરતીમાં ઓછામાં ઓછા 1 વર્ષના વન્યજીવ સારવારના અનુભવને સત્તાવાર પ્રાથમિકતા મળતી હતી, પરંતુ હાલની કાયમી ભરતીમાં આ નિયમ પડતો મુકાયો છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતાં આખરે 12 ડોક્ટરોએ ફરજ છોડવાનો નિર્ણય લીધો છે.