ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસમાં સફાઈ અભિયાન શરૂ, છ વોર્ડ પ્રમુખો સસ્પેન્ડ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ હવે કોંગ્રેસમાં આંતરિક સાફ સફાઈનો દોર શરૂ થયો છે અને અમદાવાદથી તેનો પ્રારંભ કરી છ જેટલા વોર્ડ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ હવે કોંગ્રેસમાં આંતરિક સાફ સફાઈનો દોર શરૂ થયો છે અને અમદાવાદથી તેનો પ્રારંભ કરી છ જેટલા વોર્ડ પ્રમુખોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે જો કે, પાર્ટીના હાઈકમાન્ડના આ પગલા બાદ કોંગ્રેસમાં આંતરિક વિરોધનો ઉગ્ર સૂર ઉઠયો છે અને નાના હોદ્દેદારોના બદલે શહેર પ્રમુખને સસ્પેન્ડ કરવા માંગણી ઉઠી છે.

ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પ્રદર્શન અને નબળી કામગીરીને લઈને અમદાવાદ શહેરના 6 જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પ્રમુખોમાં નવરંગપુરા, જોધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડનો સમાવેશ થાય છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મકતમપુરા વોર્ડમાં પેનલની જીત થઈ હોવા છતાં ત્યાંના પ્રમુખને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પક્ષની આ કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે. વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાની આ કાર્યવાહી બાદ કોંગ્રેસના કાર્યકરો ભારે રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર શહેર પ્રમુખ સોનલ પટેલનો ખુલ્લેઆમ વિરોધ શરૂૂ કરી દીધો છે.

કાર્યકરોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં નિષ્ફળતા અને ખોટા ઉમેદવારોની પસંદગી માટે શહેર પ્રમુખની સીધી જવાબદારી બને છે, પરંતુ તેઓ પોતાની નિષ્ફળતાનું ઠીકરું નાના કાર્યકરો પર ફોડી રહ્યા છે. સોશિયલ મીડિયા ગ્રુપોમાં એવી માંગ ઉઠી રહી છે કે નાના કાર્યકરોને સસ્પેન્ડ કરવાને બદલે શહેર પ્રમુખે જાતે જ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. અગાઉ પણ સોનલ પટેલનો ઘણીવાર વિરોધ થઈ ચૂક્યો છે.