Site icon Gujarat Mirror

બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા

બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બગસરાના દીપભાઇ રમેશભાઇ ઉનાવા (ઉ.વ.20)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ કાલે બે વર્ષ પહેલા થયેલા ઝઘડાની પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી વસીમ ઇકબાલભાઈ શાહમદારે તેને રસ્તામાં આંતરી છરી બતાવી ગાળો આપી હતી. ત્યારબાદ દીપ તેના મિત્રો હિરેન, સુઝલ અને હર્ષદ સાથે ઠપકો આપવા વસીમના ઘરે ગયો હતો.ત્યાં વસીમ શાહમદાર, અલ્ફેસ શાહમદાર, અરમાન શાહમદાર, ઈકબાલશા શાહમદાર અને ઈકબાલશાના પત્નીએ એકસંપ થઈ હુમલો કર્યો હતો.

જેમાં અલ્ફેસે મારી નાખવાના ઈરાદે દીપના પેટના ભાગે છરીનો ઝીંકી દેતા આંતરડા બહાર નીકળી ગયા હતા. દીપને બચાવવા વચ્ચે પડેલા બિમલબેન, જયદીપભાઇ, વિલાસબેન અને હિરેનભાઇ પર પણ આરોપીઓએ છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

તો ઇકબાલભાઇ ભીખુભાઇ શાહમદારે (ઉ.વ.42) એ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેમનો દીકરો વસીમ પાન-માવો ખાવા ગયો ત્યારે દીપ રમેશભાઈ ઉનાવાએ તેને ગાળો આપી હતી.ત્યારબાદ દીપ ઉનાવા, હિરેન ઉનાવા, સુરેશ ઉનાવા, મનીષ ઉનાવા, લાલો ઉનાવા, હર્ષદ પાટડીયા અને જયદીપ ઉનાવા એ હાથમાં છરી, ધોકા અને લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે ઇકબાલશાના ઘરે ધસી આવ્યા હતા.

આ ટોળાએ ઘરનો ડેલો તોડી નુકસાન કર્યું હતું અને ઇકબાલશાને માથા તેમજ કાનના ભાગે છરીના ઘા મારી ઇજાઓ કરી હતી. આ ઉપરાંત વસીમ અને અલ્ફેજને પણ માથાના ભાગે ધોકા અને પાઈપ વડે ફટકારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. બન્ને પક્ષે મળી 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

Exit mobile version