ધોરાજીના ઝાંઝમેર ગામે પાણીની ડંકી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પાણી ભરવાની ડંકી જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પિતા પુત્રો સહીત…

ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પાણી ભરવાની ડંકી જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પિતા પુત્રો સહીત ચારને ઈજા થઇ હતી. આ મામલે ધોરાજી તાલુકા પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધોરાજી તાલુકાના ઝાંઝમેર રહેતા ભાવેશભાઇ રામજીભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 12/05/2026ના રોજ રાત્રે તેઓ પોતાની પાન-બીડીની દુકાને બેઠા હતા, ત્યારે ગામના જ ભીખાભાઇ ઉર્ફે દેવાભાઇ બધાભાઇ પરમાર ત્યાં આવ્યા હતા. આરોપીએ એવી ખોટી શંકા કરી હતી કે ભાવેશભાઇએ જાણીજોઈને ઘર સામેની પાણીની ડંકી બંધ કરી દીધી છે. આ તકરાર વધતા આરોપી ભીખાભાઇ, તેના પિતા બધાભાઇ અને ભાઇ પ્રકાશભાઇ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા.

ભીખાભાઇએ ભાવેશભાઇને લાકડી વડે ડાબા હાથમાં માર માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામે પક્ષે બધાભાઇ પરબતભાઇ પરમારે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, સોસાયટીની બહાર આવેલી પાણીની ડંકી પાસે આરોપી ભાવેશ અને અન્ય લોકો બેસતા હતા અને ત્યાં પાણી ભરવા આવતી મહિલાઓ સામે અસભ્ય શબ્દો બોલતા હતા. જ્યારે બધાભાઇના પુત્ર દેવાભાઇએ આ બાબતે ટોક્યા, ત્યારે ભાવેશ ઉશ્કેરાઇ ગયો હતો. આરોપી ભાવેશ, તેના પિતા રામજી ખોડા પરમાર અને માતા ભાનુબેને એકસંપ થઈ બધાભાઇના પરિવાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બધાભાઇ, તેમના પત્ની લાભુબેન અને બંને પુત્રોને શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી.

ધોરાજી તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 351(3), 54 અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઇ. જે.એચ. બાંટવા ચલાવી રહ્યા છે.ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને આરોપીઓની અટકાયત કરવાની તજવીજ શરૂૂ કરી છે.