ગુજરાત

સિટી બસના ચાલકનું હદય થંભી જતાં સર્જાયો અકસ્માત : બેનાં મોત

Published

on

સ્કૂટર અને રિક્ષાને ઉલાળતા મુસાફર ફાયર ઓપરેટરની ભરતીમાં આવેલા યુવાન સહિત બેને ઈજા : કંડક્ટરે સમય સૂચકતાથી બ્રેક મારી બેકાબૂ બસને થોભાવી દીધી

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારમાં સીટી બસના ચાલકને એટેક આવતા ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા અને સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં સીટીબસના ચાલકનું હાર્ટએટેકથી એન રાહદારી મહિલાનું અકસ્માતમાં ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે રાજકોટમાં ફાયર ઓપરેટરની ભરતીમાં આવેલા યુવક અને મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારિયા સોલવન્ટમાં આવેલા મચ્છો નગરમાં રહેતા અને સીટીબસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પરસોતમભાઈ સવજીભાઈ બારૈયા ઉ.વ.60 રેલનગરના શિવાલય ચોકમાંથી 40 નંબરના રૂટની જીજે 3 બીઝેડ 4043 નંબરની સીટીબસ ડેપો ખાતે મુકવા જતા હતા ત્યારે આસ્થા ચોકમાં પહોંચતા બસ ડ્રાઈવર પરસોતમભાઈ બારૈયાને હૃદયરોગનો હુમલો આવતા તેમણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી બસે આગળ જતાં જીજે 3 એફએન 5669 નંબરના સ્કૂટર અને સાઈડમાં ઉભેલી રીક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં.

જે અકસ્માતમાં સીટીબસના ચાલક પરસોતમભાઈ બારૈયા રેલનગરમાં રહેતા સંગીતાબેન ગંગારામભાઈ માકડિયા ઉ.વ.36, મુળ દાહોદના મુકેશ તાજસિહ માંડોડ ઉ.વ.29ને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યારે મનીષાબેન મનીષભાઈ વારમાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા સીટીબસના ડ્રાઈવર પરસોતમભાઈ બારૈયાનું હાર્ટએટેકથી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ સંગીતાબેન માકડિયાનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયોો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારને જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની ઘટના અંગે જાણ કરી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક પરસોતમભાઈ બારૈયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. અને પરસોતમભાઈ બારૈયા ખાલી સીટીબસ ડેપોમાં મુકવા જતા હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ કંડક્ટરે સમયસુચકતા વાપરી બ્રેક મારી બેકાબુ બનેલી બસને થોભાવી દીધી હતી. જ્યારે મૃતક સંગીતાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંગીતાબેન ચાલીને ગુરૂવારી બજારમાં જઈ રહ્યા હતા ત્યારે બેકાબુ બનેલી બસે ઠોકરે ચડાવતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version