અરૂણાચલ પ્રદેશ અત્યારે એક તરફ ભારે વરસાદના કારણે આવેલા પૂર સામે ઝઝૂમી રહ્યું છે અને ભારે તબાહીથી બેવડ વળી ગયું છે ત્યારે બીજી તરફ અરુણાચલ પ્રદેશની બીજી જમીન ચીને પડાવી લીધી હોવાના આક્ષેપ થયા છે. અરુણાચલ પ્રદેશના નાહ આદિવાસી સમુદાયે આક્ષેપ કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ છેલ્લાં છ વર્ષમાં અરુણાચલ પ્રદેશમાં મોટા પાયે ઘૂસણખારી કરીને હજારો ચોરસ કિલોમીટર જમીન બથાવી પાડી છે.
જૂન 2020માં આ ખીણમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીને 1962ના યુદ્ધ વખતે અરુણાચલ પ્રદેશનો 84 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પડાવી પાડેલો એ સિવાયનો વધારાનો વિસ્તાર ચીને પડાવી લીધો હોવાનો દાવો કરીને નાહ વેલ્ફેર સોસાયટી (એનડબ્લ્યુએસ)એ સુબાનસિરી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. નાહ વેલ્ફેર સોસાયટીનો દાવો છે કે, ચીનના લશ્કરે તાકિંસગ સેક્ટરમાં પાંચ પરંપરાગત નાહ પ્રદેશોમાં છાવણીઓ બનાવી છે અને રસ્તા તાણી બાંધ્યા છે. ઓચિંગ (આસાફિલા વિસ્તાર), પાનિયાર (ચુજરતા વિસ્તાર), માર્પન (મારનાફે), પોટ્રાંગ તળાવ અને ટિંડિંગટાંગ આ પાંચ વિસ્તારોમાં આદિવાસીઓનાં શિકારનાં મેદાન, ગૌચર એટલે કે પશુઓને ચરાવવાની જમીનો ઉપરાંત સાંસ્કૃતિક રીતે મહત્ત્વનાં સ્થળો પર પણ ચીનાઓએ કબજો કરી લીધો છે. નાહ આદિવાસીઓને આ વિસ્તારોમાં જવા દેવાતા નથી ને કોઈ જવાની કોશિશ કરે તો ચીના ધોઈ નાંખે છે.
નાહ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ કેરુ ચાડેરે મીડિયાને પણ કહ્યું કે, છેલ્લા છ વર્ષમાં ચીનનો કબજો થતાં ભારતીય નાગરિકો પહેલાં મુક્તપણે ફરતા હતા એવા વિસ્તારોમાં જઈ શકતા નથી. આ વિસ્તારોમાં બૌદ્ધ ધર્મનાં ઘણાં મહત્વનાં ધર્મસ્થાન આવેલાં છે પણ ચીના લોકોને ત્યાં ફરકવા પણ દેતા નથી તેથી ભારતીયોનાં મૂળભૂત અધિકારોના ધજાગરા ઉડી રહ્યા છે. ભારત સરકારે આ દાવાઓને ખોટા ગણાવ્યા છે અને અરુણાચલ પ્રદેશમાં ચીને કોઈ ઘૂસણખોરી નહીં કરી હોવાની જૂની રેકર્ડ પાછી વગાડી છે. કેન્દ્ર સરકાર વતી કિરેન રિરિજુએ આ વાતને સાવ ખોટી ગણાવીને કહ્યું છે કે, ભારત અને ચીન વચ્ચેની સરહદ નક્કી થયેલી નથી તેથી બંને દેશોના સૈનિકો એકબીજાના પ્રદેશમાં થોડાક ઘૂસી જાય એવું બને છે પણ ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડ્યો હોવાની વાત સાવ ખોટી છે. ભારતીય લશ્કરે પણ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે ને કહ્યું છે કે, તાકિંસગ કે બીજા કોઈ વિસ્તારમાં ચીને ઘૂસણખોરી કરી હોવાની વાતમાં દમ નથી.
