જામનગરમાં ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ છતાં બાળકનું મોત

જામનગર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વધુ એક બાળદર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જોકે, મૃતક બાળદર્દીના ચાંદીપુરાના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ…

જામનગર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વધુ એક બાળદર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જોકે, મૃતક બાળદર્દીના ચાંદીપુરાના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ, થોડા દિવસો અગાઉ જામનગરની ભાગોળે આવેલા કનસુમરા પંથકમાં રહેતા એક બાળદર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ચાંદીપુરાની આશંકાને પગલે તબીબો દ્વારા જરૂૂરી નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. દરમિયાન સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ગઈકાલે ગુરુવારે બાળદર્દીનું મૃત્યુ નિપજ્યું હતું.

બીજી તરફ હાલારમાં સમયાંતરે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે પોરબંદર પંથકના વધુ એક બાળદર્દીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ એક બાળદર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે અને આવા શંકાસ્પદ કેસોની સંખ્યા એક ડઝનને આંબી ગઈ હતી. જોકે, શંકાસ્પદ દર્દીઓના સેમ્પલના રિપોર્ટ બાદ જ ચાંદીપુરાની પુષ્ટિ થઈ શકે છે.