ગુજરાત
સીદસરમાં તાલાળા ગીરના વેપારી યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી
યુવતીના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હોવા છતાં હકીકત છુપાવી યુવતીના પિતાએ છેતરપિંડી કરી બીજા લગ્ન કરાવ્યાની પોલીસ ફરિયાદ
વેપારી યુવાને પોતાની પત્નીના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોવાના પુરાવા મેળવવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા પછી દસ્તાવેજો હાથ લાગ્યા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયાધામમાં લગ્ન કરનાર તાલાલા ગીરના એક વેપારી સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. તેની સાથે લગ્ન કરનાર યુવતી કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા છતાં તે હકીકત છુપાવીને યુવતી ના પિતાએ બળજબરીપૂર્વક બીજા લગ્ન કરાવી લીધા હોવાથી વેપારી યુવાન દ્વારા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની યુવતી ના પિતા સામે ફરિયાદ નોંધાવી છે.
યુવતીના અગાઉ લગ્ન અને છુટાછેડા થયા બાબતે ના દસ્તાવેજી પુરાવાઓ મેળવવા માટે વેપારી યુવાનને અનેક ધક્કા અને અરજીઓ કરવી પડી હતી, અને અદાલતના દ્વાર ખખડાવવા પડ્યા હતા.
ત્યાંથી તેને દસ્તાવેજી પુરાવાઓ મળ્યા પછી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ગામના વતની અને લેથ મશીન અને તેના પાર્ટ્સ બનાવવાનું કામ કરતા નીરજભાઈ ઉર્ફે લાલાભાઇ મનસુખભાઈ કમાણી નામના 36 વર્ષના પટેલ વેપારી યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરવા અંગે પોતાની પત્ની ખુશ્બુ ના પિતા રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા કાંતિલાલ કાનજીભાઈ ઘેટીયા સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે આઇપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન નીરજભાઈ સાથે ગત 19.1.2021 ના દિવસે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે કે જે પટેલ જ્ઞાતિમાં રીત રિવાજ મુજબ લગ્ન કરાવી આપવામાં આવે છે, ત્યાં તેઓએ આરોપી કાંતિલાલભાઈ ઘેટીયાની પુત્રી ખુશ્બુ સાથે નોંધણી કરાવી લગ્ન કર્યા હતા. ત્યારબાદ ખુશ્બુબેન લગ્ન કરીને નિરજભાઈ ની સાથે થોડો સમય માટે રહેવા આવ્યા હતા, પરંતુ ત્યારબાદ 9.4.2021 ના દિવસે પોતાના ઘેરથી માવતરે ચાલ્યા ગયા હતા, ત્યારબાદ પતિ પત્ની વચ્ચે વિખવાદ ચાલતો હતો. દરમિયાન તેણી ગર્ભવતી બન્યા હતા, અને તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો.
જે ક્રીષ્ટિ નામની પુત્રી હાલ ત્રણ વર્ષની છે, અને માતા ખુશ્બુબેન સાથે રહે છે. જે પુત્રીનું અને પોતાનું ભરણપોષણ મેળવવા માટે નીરજભાઈ સામે અદાલતમાં કેસ કરવામાં આવ્યા છે. દરમિયાન નિરજભાઈને હકીકત જાણવા મળી હતી કે ખુશ્બુબેન કે જેના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હતા, જે હક્કત છુપાવીને તેના પિતા કાંતિલાલભાઈએ પોતાની પુત્રીને બીજા લગ્ન કરી પરણાવી દીધી હતી, જે અંગેની જુદા જુદા પોલીસ સ્ટેશન મા તેમજ અદાલત સમક્ષ અરજીઓ કરી હતી, અને તેની ત્રણેક વર્ષ સુધી દોડધામ ચાલતી હતી.
દરમિયાન ભરણપોષણ ના કેસ માટેની ખુશ્બુબેન દ્વારા કરાયેલી અરજી અને સોગંદનામાં અંગે નિરજભાઈ દ્વારા તપાસણી કરાતાં અને અદાલતનો આશરો લેવાતાં તેમાં રજૂ કરેલું સોગંદનામુ કે જેમાં ઉલ્લેખ કરેલો હતો, કે પોતાના અગાઉ લગ્ન થઈ અને છૂટાછેડા પણ થયા છે. જે દસ્તાવેજી પુરાવાઓ મેળવીને નીરજભાઈએ જામજોધપુર પોલીસ મથકનો અને અદાલતના સંપર્ક સાધ્યો હતો, અને પોતાની સાથે છેતરપિંડી અંગે ખુશ્બુબેન ના પિતા કાંતિલાલભાઈ ઘેટીયા સામે સૌપ્રથમ તલાલા પોલીસ મથકમાં અરજી કરી હતી, ત્યાં પી.એસ.આઇ. જે.એન. ગઢવી દ્વારા ઝીરો નંબર થી એફઆઇઆર દાખલ કરીને આ ફરિયાદને જામજોધપુર પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી જેના આધારે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે. આ સમયગાળા દરમિયાન ખુશ્બુબેન અને તેના પિતા સહિતના પરિવારજનો દ્વારા વેપારી યુવાન પાસે ફરી છૂટાછેડા મેળવવા માટે મોટી રકમ અને જમીનની માંગણી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલા માં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.