રાષ્ટ્રીય
નીતિશ, ચિરાગ બાદ ચંદ્રબાબુ નાયડુની જાતિ આધારિત વસતી ગણતરીની માંગ
દેશભરમાં રાજકીય પક્ષો અને અનેક સામાજિક સંગઠન જાતિ આધારિત વસતી ગણતરીની માગ કરી રહ્યા છે. બિહારમાં તો નીતીશ કુમાર જ્યારે આરજેડી સાથે સરકાર ચલાવી રહ્યા હતા તે સમયે જ તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરાવી દીધી હતી. ત્યારબાદથી તેઓ સમગ્ર દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગઠબંધનના વધુ એક સહયોગી ચિરાગ પાસવાન પણ આ માગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી અનુપ્રિયા પટેલ, સંજય નિશાદ અને ઓપી રાજભર પણ આ માગ કરી ચૂક્યા છે. આ વચ્ચે હવે એનડીએ સરકારના સૌથી મોટા ગઠબંધન સહયોગી ટીડીપીએ પણ આ માગ કરી છે.
ભાજપનું માતૃ સંગઠન આરએસએસ પણ આ પક્ષમાં પોતાની વાત રાખી ચૂક્યું છે. સંઘનું કહ્યું હતું કે, જાતિ આધારિત વસતી ગણતરી કરી શકાય બસ તેનો રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. હવે તેલુગુ દેસમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુએ પણ એક ઈન્ટરવ્યુમાં જાતિ આધારિત વસતી ગણતરીને જરૂૂરી ગણાવી છે. તેમણે કહ્યું કે, ,જાતિ આધારિત વસતી ગણતરી થવી જોઈએ. આ જનતાની ભાવના છે અને તેમાં કંઈ જ ખોટું નથી. તમે જાતે આધારિત વસ્તી ગણતરી કરાવો અને ત્યારબાદ આર્થિક વિશ્ર્લેષણ કરો. સ્કીલ સેન્સસ કરો. તેનાથી તમને ખબર પડશે કે કોની શું સ્થિતિ છે અને પછી તેના આધાર પર આર્થિક અસમાનતા દૂર કરવામાં મદદ મળશે.
નાયડુએ આગળ કહ્યું કે જનતાની ભાવના છે કે જાતિ આધારિત વસતી ગણતરી થવી જોઈએ. જો આવું છે તો પછી તેમનું સન્માન જરૂૂરી છે. એ વાત સાચી છે કે દેશમાં ગરીબી સૌથી મોટો મુદ્દો છે. અહીં સુધી કે તમે નીચલી જાતિના છો અને પૈસાવાળા છો તો લોકો તમારું સન્માન કરશે. સમાજમાં લોકો તમારી ઈજ્જત કરશે. પરંતુ ભલે તમે ઊંચી જાતિના છો પરંતુ ગરીબ છો તો પછી કોઈ તમને મહત્વ નહીં આપશે. આ એક સત્ય છે. તેથી આર્થિક સ્થિતિ જ સમાનતાનો સૌથી મોટો આધાર છે. તેથી તમારે સમાજમાં સંતુલન બનાવી રાખવા માટે આર્થિક અસમાનતા ખતમ કરવા માટે જ કામ કરવું પડશે.