ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ દ્વારા ચેમ્બર પ્રમુખનું અપમાન

ટિકિટ સમસ્યાઓ અંગે રજૂઆત સાંભળવાને બદલે પ્રમુખને અપમાનિત કરી કાઢી મૂકાયા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ…

ટિકિટ સમસ્યાઓ અંગે રજૂઆત સાંભળવાને બદલે પ્રમુખને અપમાનિત કરી કાઢી મૂકાયા

ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂૂબરૂૂ મુલાકાત અને ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન રેલવેના વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ નિરીક્ષણ મુલાકાત પ્રજાની સમસ્યાઓના ઉકેલને બદલે વિવાદનું કેન્દ્ર બની ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે મુસાફરો અને સ્થાનિકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બપોરના 12:00 વાગ્યાથી લઈને 03:00 વાગ્યા સુધી રેલવે સ્ટેશન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સ્ટેશન બંધ રહેવાથી મુસાફરોને પૂછપરછ કરવામાં અને અન્ય પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

વધુમાં, ઉપલેટા સ્ટેશન પરથી રોજના અંદાજિત 15 થી 20 જેટલી મુસાફર ટ્રેનો અને માલગાડીઓની અવરજવર રહે છે. આટલા મોટા ટ્રાફિકને કારણે સ્થાનિક સ્ટેશન માસ્ટર સતત ટ્રેન વર્કિંગની કામગીરીમાં જ વ્યસ્ત રહે છે. તેઓને અન્ય કામગીરી માટે સમય ન મળતો હોવાથી મુસાફરોને રિઝર્વેશન ટિકિટ અને તત્કાલ ટિકિટ કઢાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ તમામ જટિલ સમસ્યાઓ અંગે સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલવે અધિકારીઓને રૂૂબરૂૂ મળીને રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, આશ્ચર્યજનક રીતે ડિવિઝન કોમર્શિયલ મેનેજર દ્વારા તેમની રજૂઆત સાંભળવાની કોઈ તસ્દી લેવામાં આવી ન હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે શાંતિથી મુલાકાત કરવાને બદલે અધિકારીઓ ’લાજવાને બદલે ગાજ્યા’ હતા. તેમણે રજૂઆત કરવા આવેલા આગેવાનો સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, તેમનું અપમાન કરી ત્યાંથી હાંકી કાઢ્યા હતા અને પોતાની ચાલતી પકડી હતી.

અધિકારીઓના આ પ્રકારના અશોભનીય અને તાનાશાહી ભર્યા વર્તનને કારણે સ્થાનિક આગેવાનો અને પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. પ્રજાના પ્રતિનિધિઓનું અપમાન કરવા અને લોકોની વ્યાજબી સમસ્યાઓ ન સાંભળવા બદલ હવે આ મામલે ઉગ્ર લડત આપવાની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ, આ સમગ્ર ઘટનાની અને અધિકારીઓના ગેરવર્તનની સત્તાવાર ફરિયાદ સ્થાનિક સાંસદ, કેન્દ્રીય મંત્રી તેમજ દિલ્હી ખાતે રેલવે મંત્રાલય અને રેલવે મંત્રી સુધી કરવામાં આવશે. આ ઘટનાને પગલે રેલવે તંત્રની સ્થાનિક કાર્યપ્રણાલી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.