Site icon Gujarat Mirror

સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે

મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરામાં દર વર્ષે ગાબડુ પડતુ હોવાથી તેમજ અનેક બાકીદારો વર્ષોથી વેરો ભરપાઇ ન કરતા હોવાથી આ વર્ષે બજેટમાં મુકવામાં આવેલ 454 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા વેરા વિભાગે વધુ કડક પગલા ભરવાનો નિર્ણય લઇ હવે રૂા.5000 વેરો બાકી હસે તો પણ નળ જોડાણ કટ અને મિલકત સીલ કરવા સહિતના પગલા લેવામાં આવશે. નોટીસ આપવામાં સમય પસાર ન થાય તે માટે વેરાવિભાગે મનપાની વેબસાઇટ ઉપર બાકીદારોનુ લિસ્ટ મુકી સમયસર વેરો ભરપાઇ કરવાની કડક સુચના આપી આ જાહેરાતને નોટીસ સમજવા સુચના આપી છે.

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડ પર નોંધાયેલ રેસીડન્સ, કોર્મશિયલ, તથા અન્ય કેટેગરીની મિલકત ઇન્ડસ્ટ્રીયલ ધરાવતા મિલકતધારકોને જાણ કરવામાં આવે છે કે જે મિલકત ધારકોના મિલકત વેરા તથા પાણી ચાર્જીસની રૂૂ.5,000 કે તેથી વધુ રકમ બાકી હોય તેવા મિલકત ધારકોની યાદી કરવા પાત્ર રકમની વિગત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવેલ છે. આવા બાકીદારોએ આ યાદી પરથી પોતાની મિલકત પેટેની બાકી રકમની વિગતો મેળવી, સત્વરે મિલકત વેરો તથા પાણી ચાર્જીસની બાકી રહેતી તમામ રકમ તાત્કાલિક ભરપાઇ કરવા આથી તાકીદ કરવામાં આવે છે.

અન્યથા રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા જી.પી.એમ.સી એકટ 1949 ની કલમ 128 હેઠળ, આવી મિલકતો સીલ કરવાની, નળ કનેકશન કપાતની તથા મિલકતની હરરાજી કરવા સુધીની કાર્યવાહી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે જેની ગંભીર નોંધ લગત તમામે લેવી. મિલકત વેરો/ પાણી ચાર્જીસની રકમ ઓનલાઈન, વોર્ડ ઓફીસ, સિટી સિવિક સેન્ટર તેમજ ઝોન ઓફીસથી ભરપાઈ કરી શકશે.

Exit mobile version