સ્થાનિક પોલીસની જવાબદારી ફિકસ, ડ્રગ્સના મૂળ નેટવર્ક સુધી પહોંચવા ગુપ્તચર એજન્સીની પણ મદદ લેવાશે
ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે મોટાભાગના સ્થાનિક પોલીસ અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધી જે-તે જિલ્લા અને શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) કે ક્રાઈમ બ્રાંચ દ્વારા જ મોટેભાગે NDPS (નર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસ નોંધવામાં આવતા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના ડીજીપીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગઉઙજના કેસ નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસે પણ ફરજિયાત કરવાની રહેશે. આ ઉપરાંત, જો અન્ય કોઈ એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત દરોડો પાડવામાં આવશે, તો તેની સીધી જવાબદારી સ્થાનિક પોલીસ અધિકારીની રહેશે.
રાજ્યમાં અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં ચિંતાજનક વધારો થતાં રાજ્ય પોલીસ વડાએ બુધવારે કડક નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોના પોલીસ વડા તેમજ પોલીસ કમિશનરોને NDPS કેસ અનુસંધાનમાં કોઈપણ પ્રકારની શિથિલતા ન રાખવા અને સૌથી આકરા પગલાં લેવા સૂચના આપી હતી. સામાન્ય રીતે શહેરો કે જિલ્લાઓમાં ડ્રગ્સના દરોડા પાડવાની જવાબદારી ક્રાઈમ બ્રાંચ કે SOGની હોવાના કારણે સ્થાનિક પોલીસ ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં ઓછી સક્રિય હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. હવે સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરતાં ડીજીપીએ જણાવ્યું છે કે, જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં અન્ય બાહ્ય એજન્સી દ્વારા ડ્રગ્સ અંગે દરોડો પાડવામાં આવશે, તો જે-તે પોલીસ સ્ટેશનના PSI કે PI જવાબદાર ગણાશે. તેમની વિરૂૂદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીના કડક પગલાં લેવામાં આવી શકે છે.
અત્યાર સુધી ડ્રગ્સના નાના કેસોમાં પોલીસ દ્વારા શરૂૂઆતમાં માત્ર રૂૂટિન તપાસ કરીને કામગીરી સમેટી લેવાતી હતી, જેના પરિણામે ડ્રગ્સના મુખ્ય નેટવર્ક સુધી પહોંચી શકાતું નહોતું. હવેથી દરેક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીની એ જવાબદારી રહેશે કે તેઓ ડ્રગ્સના મૂળ નેટવર્ક સુધી પહોંચે. આ માટે તેઓ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓની મદદ પણ લઈ શકશે. પોલીસ જવાનોનો ઉત્સાહ વધારવા માટે DGP દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે અધિકારીઓ કે કર્મચારીઓ ગુપ્ત માહિતી મેળવીને, સફળ રેડ પાડીને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડશે અથવા NDPS કેસોની ઉત્કૃષ્ટ તપાસ કરશે, તેમને વિભાગ તરફથી વિશેષ ઇનામો, રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.
નશાની લતે ચડેલા યુવાનોને કાઉન્સેલિંગ-પુનવર્સનમાં સહયોગ
આ અભિયાન માત્ર ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ નશાની ગર્તામાં ધકેલાઈ ગયેલા યુવાનોને બચાવવા માટેનો પણ છે. ગુજરાત પોલીસ કાયદાકીય કડકાઈની સાથે એક માનવીય અભિગમ પણ રાખશે. જે વ્યક્તિઓ નશાની લતનો ભોગ બની ચૂકી છે, તેમને આ દૂષણમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગ અને પુનર્વસન (Rehabilitation) કેન્દ્રોની સુવિધા મેળવવામાં પોલીસ પૂરતો સહયોગ આપશે. આમ, આ મિશનમાં એન્ફોર્સમેન્ટ (અમલવારી) અને સુધારણા – બંને પાસાઓને સમાન મહત્વ આપવામાં આવ્યું છે.
