સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના 10 જિલ્લાની શાળાઓના સંચાલકોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં શિક્ષણ સુધારા બિલ-2025ની જોગવાઈઓની સમીક્ષા, આરટીઈ હેઠળની પ્રવેશ પ્રક્રિયા, એફઆરસીની કામગીરી, શાળાઓની વહીવટી પ્રક્રિયાઓ અને શૈક્ષણિક સ્વાયત્તતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ શાળા સંચાલકોને પડતી મુશ્કેલીઓના ઉકેલ માટે સરકાર સમક્ષ સમયબદ્ધ અને સ્પષ્ટ નિરાકરણની માંગ કરવામાં આવી હતી.
મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગુજરાતની 17,000થી વધુ સ્વનિર્ભર શાળાઓ રાજ્યના શૈક્ષણિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ શાળાઓના હિત, અધિકારો અને સ્વાયત્તતાનું રક્ષણ થાય તે માટે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. શાળાઓને લગતા નિયમોનો હેતુ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો હોવો જોઈએ, પરંતુ નિયમોના અમલીકરણ દરમિયાન શાળા સંચાલકોને બિનજરૂૂરી મુશ્કેલીઓ ન પડે તે પણ એટલું જ જરૂૂરી છે.આયોજિત સૌરાષ્ટ્ર ઝોનના સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંમેલનમાં આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં પ્રતીકાત્મક શાળા બંધ પાળવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. જો સરકાર આ મુદ્દાઓનો સંતોષકારક ઉકેલ નહીં લાવે, તો ભવિષ્યમાં કાયમી ધોરણે શાળાઓ બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનું મહત્વપૂર્ણ અધિવેશન યોજાયું હતું. આ મહાસંમેલનમાં સૌરાષ્ટ્રભરમાંથી આશરે 1500 જેટલા શાળા સંચાલકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશનના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં અંદાજે 17,000 સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે, જેમાં 53 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે 60 ટકાથી વધુ કાર્યબોજ સ્વનિર્ભર શાળાઓ વહન કરતી હોવા છતાં, સરકાર દ્વારા વારંવાર કરાતી રજૂઆતો પ્રત્યે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું હોવાનો આરોપ મુકાયો છે.
રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરતા બાળકોની ફી વળતર અંગે પણ વિવાદ વકર્યો છે. સંચાલકો અનુસાર, હાઈકોર્ટના આદેશ મુજબ સરકારે બાળક દીઠ સરકારી શાળા પાછળ થતો વાસ્તવિક ખર્ચ અથવા ઋછઈ દ્વારા મંજૂર થયેલી ફી ચૂકવવાની રહે છે. હાલ સરકાર દ્વારા પ્રતિ બાળક માત્ર રૂૂ. 13,600 ચૂકવવામાં આવી રહ્યા છે, જે વાસ્તવિક ખર્ચ કરતાં ઘણી ઓછી છે. તાજેતરના પરિપત્રોમાં સ્વનિર્ભર શાળાઓના હિતોની અવગણના કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
