પાકટ વયના પુરૂષોને ફસાવતું સુંદરીઓનું કોલ સેન્ટર

કુંવારા રહી ગયેલા મધ્યમ વયના પુરુષોને શિકાર બનાવવા AI ફોટોગ્રાફની આબાદ જાળ બનાવી રૂપિયા ખંખેરી લેવાતા: 16 છોકરીઓને આઝાદ કરાવી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક…

કુંવારા રહી ગયેલા મધ્યમ વયના પુરુષોને શિકાર બનાવવા AI ફોટોગ્રાફની આબાદ જાળ બનાવી રૂપિયા ખંખેરી લેવાતા: 16 છોકરીઓને આઝાદ કરાવી

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક એવા હાઈટેક અને અજીબોગરીબ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે, જે લગ્ન કરવા ઈચ્છતા મોટી ઉંમરના પુરુષોને નિશાન બનાવતું હતું. ‘શગુન મેરેજ’ નામની આ સંસ્થા હકીકતમાં સાયબર ઠગાઈનો અડ્ડો હતી, જ્યાં 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને સુંદર પત્ની અપાવવાના ખોટા વાયદા કરીને તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવવામાં આવતા હતા. ઝાંસી પોલીસે સિપરી બજાર વિસ્તારમાં દરોડો પાડીને એક ડઝનથી વધુ યુવતીઓને મુક્ત કરાવી છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. તેઓ અખબારો અને વેબસાઇટ્સ પરથી લગ્ન માટે ઉત્સુક મધ્યમ વયના પુરુષોનો ડેટા ચોરતા હતા. ત્યારબાદ, આ પુરુષોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલી અત્યંત સુંદર મહિલાઓના નકલી ફોટા મોકલવામાં આવતા હતા. રજીસ્ટ્રેશનના નામે 2 હજારથી લઈને 5 લાખ રૂૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. જે પુરુષો ફોટા જોઈને લલચાઈ જતા, તેમને કોલ સેન્ટરની યુવતીઓ સાથે વાત કરાવવામાં આવતી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે, કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીઓને ગ્રાહકો સાથે મીઠી અને કેટલીકવાર અશ્ર્લીલ વાતો કરવા મજબૂર કરવામાં આવતી હતી. આ વાતોનું રેકોર્ડિંગ કરી લેવામાં આવતું અને બાદમાં તે પુરુષોને બદનામ કરવાની ધમકી આપીને મોટી રકમ પડાવવામાં આવતી હતી. આ ગેંગે અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોના 600 થી વધુ લોકોને શિકાર બનાવીને 40 લાખ રૂૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે. પોલીસે હાલમાં 9 બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. દરોડા દરમિયાન 18 થી 20 વર્ષની વયની 16 છોકરીઓ એક નાનકડા રૂૂમમાં લેપટોપ અને મોબાઈલ સાથે કામ કરતી મળી આવી હતી. આ છોકરીઓ અત્યંત ગરીબ પરિવારની હતી અને તેમને માત્ર 5 હજાર રૂૂપિયાના પગારે રાખવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, કોલ સેન્ટરના સંચાલકોએ આ છોકરીઓના ઓળખપત્રો અને અન્ય દસ્તાવેજો પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા, જેથી તેઓ ઈચ્છવા છતાં નોકરી છોડી શકતી નહોતી.

પોલીસે કોલ સેન્ટરના મેનેજર હિના કૌસરની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય માલિક સતીશ અને નીતુ પ્રજાપતિ હજુ પણ ફરાર છે. ઘટનાસ્થળેથી 7 કોમ્પ્યુટર, 30 મોબાઈલ ફોન અને અનેક નકલી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે તમામ યુવતીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપી દીધી છે.