ગુજરાત
CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટનું પરિણામ જાહેર: વિદ્યાર્થીનીઓએ બાજી મારી
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાએ આજે 30 ઓક્ટોબરના સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમિડિયેટ પરીક્ષાઓના પરિણામ જાહેર કર્યા છે. જેમાં ઇન્ટરમિડિયેટમાં છોકરીઓએ બાજી મારી છે. દેશભરમાંથી લગભગ 70 હજાર વિદ્યાર્થીઓમાંથી ટોપ-3માં ત્રણ છોકરીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં મુંબઈની પરમી ઉમેશ પારેખે 484 માર્ક્સ સાથે પ્રથમ, ચેન્નઈની તાન્યા ગુપ્તાએ 459 માર્ક્સ સાથે બીજા અને વિધિ જૈને 441 માર્ક્સ સાથે ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત CA ફાઉન્ડેશનની પરીક્ષાનું 19.67 ટકા રિઝલ્ટ આવ્યું છે. 70437 વિદ્યાર્થીઓમાંથી 13858 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે ઇન્ટરમિડિયેટના ગ્રૂપ-1માં 69227માંથી 10505 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે ગ્રૂપ-2માં 50760માંથી 8117 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે બંને ગ્રૂપમાં ઉતીર્ણ થનારા વિદ્યાર્થીઓનો રેશિયો 5.66 ટકા રહ્યો છે.
ICAIના પૂર્વ અધ્યક્ષ ધીરજ ખંડેલવાલે ડ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, આઈસીએઆઈમાં મહિલાઓની સંખ્યા લગભગ 30 ટકા છે. જે આગામી પાંચ વર્ષમાં 50 ટકા સુધી વધવાનો આશાવાદ છે. આ સફળતા ઉલ્લેખનીય છે. 2008માં માત્ર 8000 મહિલાઓ પરીક્ષા આપતી હતી. જે 2018માં વધી 80000 થઈ છે. અને આજે આ આંકડો 1,25,000ની સપાટી સ્પર્શી ગયો છે.
આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમિડીયેટ પરીક્ષાની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેમાં ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા 12,14,16 અને 18 જાન્યુઆરી, 2025ના રોજ, જ્યારે ઈન્ટરમિડીયેટ કોર્સના ગ્રૂપ 1 માટે 11,13, અને 15 જાન્યુઆરી અને ગ્રૂપ 2 માટે 17, 19 અને 21 જાન્યુઆરી, 2025ના રોજ પરીક્ષા લેવાશે.