ગુજરાત
વાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણી
ગુજરાતમાં રાજકારણના હાઇવોલ્ટેજ ડ્રામા જેવી ધારાસભાની વાવ બેઠકની આવતીકાલ તા.13ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આજે સવારથી જ પોલીંગ સ્ટાફને મતદાન મથકો ઉપર તૈનાત કરી દેવાયો છે તેમજ મતદાન મથકો સુરક્ષા સ્ટાફના હવાલે કરી દેવાયા છે.હવે ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી મતદારોને છેલ્લી ઘડી સુધી પોતાની તરફ મતદાન કરવા મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. અને આજની રાત કતલની રાત માનવામાં આવી રહી છે. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.
જોકે, આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો વિજય થતાં આ બેઠક ખાલી પડી હતી. પ્રચાર પડઘમ આજે શાંત થતા મતદારોને મનાવવા માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા ડોર-ડુ-ડોર પ્રચાર શરૂૂ કરાયો છે. ભાજપે સ્વરૂૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. ભાજપે ઠાકોર સમાજ પર પસંદગી ઉતારતાં ચૌધરી સમાજના માવજીભાઈ પટેલે બાંયો ચઢાવી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ સોમવારે સાંજે શાંત થઈ ગયા તે પહેલાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. જેમાં માવજીભાઈએ શંકરભાઈ ચૌધરીને આડેહાથ લીધા હતા અને વાક પ્રહારો કર્યા હતા. જ્યારે શંકભાઈ ચૌધરીએ પણ સવરપુરામાં માવજીભાઈને કોંગ્રેસના એજન્ટ ગણાવતાં રાજકારણ ગરમાયું છે.