આજે સવારે રાજસ્થાનના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોપાલથી ખાટુ શ્યામ જઈ રહેલી એક મિનિબસ પરથી ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ મહિલાઓ સહિત આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૨૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે ક્રેનની મદદથી બસને બહાર કાઢી હતી અને ઘાયલોને કોટાની એમબીએસ (MBS) હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
#WATCH | Rajasthan | Eight passengers died after a bus overturned on Delhi-Mumbai Expressway in Kota; more than 6 injured passengers are hospitalised.
Visuals from the hospital. pic.twitter.com/zKH30tKSwl
— ANI (@ANI) October 17, 2026
આ અકસ્માત આજે વહેલી સવારે લગભગ ૬:૩૦ વાગ્યાની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કોટાના સિમલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. મિનિબસમાં ૨૫થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ભોપાલથી ખાટુ શ્યામજીના દર્શને જઈ રહ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, શક્ય છે કે વાહન ચલાવતી વખતે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોય (ઊંઘ આવી ગઈ હોય), જેના કારણે વાહન પરનું નિયંત્રણ ગુમાવાયું હતું અને તે એક્સપ્રેસવેની રેલિંગ તોડીને નીચે ખાડામાં જઈ પડી હતી.
અકસ્માત બાદ ત્યાં મદદ માટે લોકોની ચીસો સંભળાતી હતી અને બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની રહી હતી. બસ લગભગ ૧૫ ફૂટની ઊંચાઈએથી નીચે ખાડામાં પડી હતી. ખાડામાં પાણી અને ઊંડો કાદવ હોવાને કારણે બચાવ ટુકડી માટે ત્યાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા મુશ્કેલ બન્યા હતા. સ્થાનિક પોલીસ અને રાહત કાર્યકર્તાઓએ એક ભારે ક્રેન મંગાવીને બસને ખાડામાંથી બહાર કાઢી હતી અને મુસાફરોને બચાવી લીધા હતા.
