ભાણવડ તાબેના જામ રોજીવાડા ગામના એક ખેડૂત યુવાન શનિવારે સવારે તેમના પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા, ત્યારે પાછળથી તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડી, વિવિધ પ્રકારના સોના-ચાંદીના રૂૂપિયા 10 લાખ 97 હજારના દાગીના તેમજ રૂૂપિયા 17 હજારની રકમ લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડથી આશરે 8 કિલોમીટર દૂર જામ રોજીવાડા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંગદાસભાઈ માલદેભાઈ સોલંકી નામના 46 વર્ષના સગર યુવાન કે જેમના બંને પરિણીત પુત્રો રાજકોટ રહેતા હોય, આ દંપતી તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોએ અગાઉ નક્કી કર્યા મુજબ શનિવાર તા. 27 મીના રોજ સવારના આશરે 7 વાગ્યાના સમયે દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરવા નીકળ્યા હતા.
આ પછી તેઓ શનિવારે મોડી સાંજના સમયે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના ઓસરી તથા રૂૂમમાં મારેલા તાળા તૂટેલા જોવા મળ્યા હતા અને ઘરનું સામાન વેર વિખેર હોવાથી આ સ્થળે તસ્કરોએ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું.
પરિવારજનોની તપાસમાં આ ઘરમાં રહેલા કબાટના ખાનાને તોડી, તેમાં રહેલી ચાવીથી કબાટના ખાનામાં રાખવામાં આવેલા સોનાના ચેઈન, બુટ્ટી, રજવાડી હાર, ઈયરિંગ્સ વિગેરે જુદા જુદા પ્રકારના 15 તોલા સોનાના ઘરેણા ગાયબ હતા. આમ, કુલ રૂૂ. 10,80,000 ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂૂ. 17,000 ની કિંમતના જુદા જુદા ચાંદીના દાગીના ઉપરાંત ખાનામાં રાખવામાં આવેલા રૂૂ. 17 હજારની રોકડ રકમ પણ જોવા મળી ન હતી. આ રીતે તસ્કરોએ આ મકાનમાં ઘરફોડી કરી, કુલ રૂૂપિયા 11 લાખ 14 હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ બનતા સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે અહીંના ડીવાયએસપી મીત રુદલાલ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી તસ્કરોની ભાળ મેળવવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઘરફોડ ચોરીના આ બનાવે નાના એવા જામ રોજીવાડા ગામમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરાવી છે.
