દિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં બલ્ક બુકિંગનું કૌભાંડ

દિવાળીની ભીડ પહેલાં ગુજરાતથી નીકળતી ટ્રેનોમાં ડમી કે કાલ્પનિક નામે સીટ અટકાવીને પછીથી બીજા મુસાફરોને આપવાના આરોપ સાથે વરિષ્ઠ રેલવે અધિકારીઓ સમક્ષ ફરિયાદ થઈ છે.…

દિવાળીની ભીડ પહેલાં ગુજરાતથી નીકળતી ટ્રેનોમાં ડમી કે કાલ્પનિક નામે સીટ અટકાવીને પછીથી બીજા મુસાફરોને આપવાના આરોપ સાથે વરિષ્ઠ રેલવે અધિકારીઓ સમક્ષ ફરિયાદ થઈ છે. ફરિયાદમાં ટૂર ઓપરેટરો અને અનધિકૃત એજન્ટો ‘ગેરંટી સાથે ક્ધફર્મ રેલવે ટિકિટ’ના પેકેજ વેચતા હોવાનો દાવો કરાયો છે, જ્યારે રેલવેએ તેમને કોઈ ખાસ કોચ કે સીટનો ક્વોટા ફાળવ્યો નથી.

ફરિયાદ અમદાવાદ, સાબરમતી, ગાંધીનગર અને નજીકના સ્ટેશનોથી જમ્મુ, કટરા, દિલ્હી, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને કેરળ તરફ જતી ટ્રેનોને આવરી લે છે. આરોપ મુજબ, ટિકિટ અગાઉથી ડમી નામે બુક કરાય છે અને ઉપડતાં પહેલાં થોડા સમયમાં વાસ્તવિક મુસાફરને સોંપાય છે. મુસાફરને કહેવામાં આવે છે કે તેમની મૂળ બુકિંગ ક્ધફર્મ ન થઈ, પણ પછી બીજા વ્યક્તિના નામની ક્ધફર્મ ટિકિટ આપવામાં આવે છે. આથી મુસાફરી દરમિયાન ઓળખ ચકાસણી પર પણ સવાલ ઊભા થયા છે.

ફરિયાદીના અંદાજ મુજબ, 5થી 15 નવેમ્બર દરમિયાન દરેક ટ્રેનમાં આશરે 100થી 120 સ્લીપર અને 30થી 40 એસી સીટ શંકાસ્પદ રીતે બુક થઈ હોઈ શકે. રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં આશરે 60 સીટની બલ્ક બુકિંગ પણ ફ્લેગ કરાઈ છે. કેરળ તરફની રૂૂટ પર 6થી 13 નવેમ્બર દરમિયાન દરરોજ આશરે 100 સીટની શંકાસ્પદ બુકિંગની ચકાસણી માંગવામાં આવી છે. આ આંકડા ફરિયાદીના અંદાજ છે અને હજુ સ્વતંત્ર રીતે ચકાસાયા નથી. નામ ન આપવાની શરતે ફરિયાદીએ કહ્યું, આ એવો મામલો છે કે જેમાં સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી અને હેરાનગતિ થઈ રહી છે. તટસ્થ અને ચોક્કસ તપાસ થાય તો મોટું કૌભાંડ સામે આવશે. ફરિયાદીના જણાવ્યા મુજબ, લેખિત ફરિયાદ અમદાવાદ ઉછખ, રેલવે બોર્ડ, રેલવે મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ઈમેલથી મોકલાઈ છે.

કઈ ટ્રેનોમાં કૌભાંડ?
દિલ્હીના વરિષ્ઠ રેલવે અધિકારીઓને મોકલેલી ફરિયાદમાં ટ્રેનો, રૂૂટ, મુસાફરીની તારીખો અને શંકાસ્પદ બલ્ક બુકિંગની અંદાજિત વિગતો આપવામાં આવી છે. જેમાં સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસ, હાપા-કટરા એક્સપ્રેસ, જામનગર-કટરા એક્સપ્રેસ, સર્વોદય એક્સપ્રેસ, જેએટી વિવેક એક્સપ્રેસ, સાબરમતી-કટરા એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ-દૌલતપુર ચૌક એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ, સાબરમતી-નવી દિલ્હી રાજધાની અને સાબરમતી-બનારસ સુપરફાસ્ટનાં નામ છે.