BSC (ઓનર્સ) નેચરલ ફાર્મિગ ડિગ્રીને BSC એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા

  ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. હવે આ…

 

ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. હવે આ દિશામાં સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ખેતી ક્ષેત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા બી.એસસી (ઓનર્સ) નેચરલ ફાર્મિંગ અભ્યાસક્રમને રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા બી.એસસી. (ઓનર્સ) એગ્રીકલ્ચર અભ્યાસક્રમ સમકક્ષ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે વાત કરતા જીતુ વાઘાણીએ જમાવ્યુ કે પીએમ મોદીના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય સ્તરે જનઆંદોલનનું સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત પણ પ્રાકૃતિક ખેતીનો અમલ કરવામાં આગળ છે. હવે પ્રાકૃતિક ખેતીના શિક્ષણને પણ સમાન મહત્વ અને માન્યતા આપવાનો રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો અને યુવાનો બંને માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

આ સમકક્ષતા અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા નિયત કરાયેલા ધોરણો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 તેમજ છઠ્ઠી ડીન કમિટીની ભલામણોના આધારે બંને અભ્યાસક્રમોના માળખા, ક્રેડિટ સિસ્ટમ, અભ્યાસક્રમ, પ્રાયોગિક તાલીમ અને શૈક્ષણિક લાયકાતનું વિગતવાર અને ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતીનો આ અભ્યાસક્રમ સંપૂર્ણપણે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને બેક ટુ બેઝિક્સના અભિગમ પર આધારિત છે, જેમાં પ્રકૃતિ આધારિત ખેતી, દેશી જ્ઞાન પરંપરા, દેશી બિયારણ, ગાય આધારિત કૃષિ પદ્ધતિ, સ્થાનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ અને ટકાઉ કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે.