માણાવદરથી 15 કિ.મી. દુર આવેલ સાતલપુરની ધારે એક અત્યંત અમાનવીય અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજ્ઞાત અસામાજિક તત્વો દ્વારા એક અબોલ નંદી મહારાજ પર કુહાડી વડે જીવલેણ અને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે કુહાડી આખેઆખી નંદીના શરીરમાં ખૂંપી ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકના ગૌપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટના અંગે માણાવદર તાલુકાના ગૌરક્ષક પ્રમુખ લાખાભાઈ રાવલિયાને સાતલપુરની ધારેથી ફોન દ્વારા માહિતી મળી હતી કે એક નંદી લોહીલુહાણ હાલતમાં ઊભો છે અને તેના પાછળના ભાગમાં કુહાડી ખૂંપેલી છે. માહિતી મળતાની સાથે જ માણાવદર ગાયત્રી મંદિર ગૌશાળા ગ્રુપની ટીમ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ નંદી મહારાજનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.
એક અબોલ અને પવિત્ર પશુ પર આ પ્રકારે ક્રૂરતાપૂર્વક હુમલો કરનાર અસામાજિક તત્વો સામે ગૌસેવકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગૌસેવા ટ્રસ્ટ અને સ્થાનિક ગૌભક્તોએ માંગ કરી છે કે પોલીસ તંત્ર દ્વારા આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને મૂંગા પશુ પર આવો પાશવી હુમલો કરનારા નરાધમોને વહેલી તકે ઝડપી પાડી તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
