રાષ્ટ્રીય

કલમ 370 પરત લાવવી હવે લોઢાના ચણા ચાવવા સમાન

Published

on

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કલમ 370નો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો અને ભાજપ સિવાયના બધા પક્ષોએ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને ફરી લાગુ કરવાની વાતો કરી હતી. ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને કાશ્મીરમાં બિન ભાજપી એવા નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાની સરકાર રચાઈ એ સાથે જ કલમ 370ની નાબૂદીનો મુદ્દો ફરી ગાજ્યો છે કેમ કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાએ રાજ્યને સ્પેશિયલ સ્ટેટસ આપતી કલમ 370ને ફરીથી લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પીડીપી વગેરે તો આ ઠરાવના સમર્થનમાં છે જ પણ અપક્ષ ધારાસભ્યો શેખ ખુર્શીદ અને શબ્બીર કુલે, પીસી ચીફ સજ્જાદ લોને પણ આ ઠરાવને ટેકો આપ્યો હતો. વિધાનસભામાં આ ઠરાવ જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સૂરીન્દર ચૌધરીએ રજૂ કર્યો હતો. ભાજપે વિરોધ કરીને ધમાલ મચાવી દેતાં વિધાનસભામાં આ મુદ્દે જોરદાર ઘમાસાણ થયું. પણ બહુમતી બિન-ભાજપ ધારાસભ્યોની છે તેથી અંતે ઠરાવ પસાર થઈ ગયો. જમ્મુ અને કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ પુન:સ્થાપિત કરવા માટેના ઠરાવમાં લખવામાં આવ્યું છે કે, વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટી મહત્ત્વપૂર્ણ છે. બંધારણીય કલમ જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરે છે. વિધાનસભા તેના એકપક્ષીય હટાવવા પર ચિંતા વ્યક્ત કરે છે. ભારત સરકારે રાજ્યના સ્પેશિયલ સ્ટેટસને મુદ્દે જમ્મુ અને કાશ્મીરના પ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ.

તેના બંધારણીય પુન:સ્થાપન પર કામ કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા એ વાત પર ભાર મૂકે છે કે આ પુન:સ્થાપન રાષ્ટ્રીય એકતા અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છાઓ બંનેને ધ્યાનમાં રાખીને થવું જોઈએ.ભાજપની વાત સો ટકા સાચી છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હવે કોઈ પણ સજોગોમાં પાછી લાવી શકાય તેમ નથી. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી પર સંસદે મંજૂરીની મહોર મારી દીધી પછી સુપ્રીમ કોર્ટે પણ મંજૂરીની મહોર મારી દીધી છે. આ સંજોગોમાં કલમ 370ની નાબૂદી પર બંધારણીય મંજૂરીની મહોર મારી ગઈ છે. હવે કોઈ ઉપરથી નીચે થઈ જાય તો પણ કલમ 370 પાછી આવવાની નથી. આ વાત કોંગ્રેસ પણ સ્વીકારી ચૂકી છે ને કાશ્મીરના પ્રાદેશિક પક્ષો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ તેમનાથી આ મુદ્દો છોડાય તેમ નથી તેથી હોહા કર્યા કરે છે.

નેશનલ કોન્ફરન્સ સહિતના પ્રાદેશિક પક્ષો કલમ 370 પાછી લાવવાની વાતો ભલે કરે પણ તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે કાશ્મીરમાં કોઈ કલમ 370 પાછી લાવી શકવાનું નથી. એ લોકો એવી માગણી કરે તેમાં કશું ખોટું પણ નથી. ભારતના બંધારણના દાયરામાં રહીને કરાતી કોઈ પણ માગણી કરવાનો તેમને અધિકાર છે પણ કલમ 370 પાછી લાવવાનું સંસદના હાથમાં છે ને આ દેશની સંસદમાં કદી 370 પાછી લાવવાની તરફેણ કરનારા સાંસદોની બહુમતી થવાની નથી. નેશનલ કોન્ફરન્સની સરકાર માટે પણ આ રાજકીય અસ્તિત્વનો મુદ્દો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટે શપથ લીધા પછી સૌથી પહેલાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાની સરકારે કલમ 370 ફરી સ્થાપિત કરવાનો ઠરાવ પસાર ના કર્યો તેને મહેબૂબા મુફતીની પીડીપીએ મુદ્દો બનાવી દીધો છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં બહુ જલદી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાઈ જશે એવું લાગે છે પણ કાશ્મીર માટે મોટો મુદ્દો કલમ 370નો છે. હવે નેશનલ કોન્ફરન્સની સરકાર 370મી કલમને મુદ્દે કોઈ નિર્ણય ના લે અને વિધાનસભામાં ઠરાવ પસાર ના કરે તો ટીકાને પાત્ર બને તેથી ઓમરની સરકારે વિધાનસભામાં ઠરાવ પસાર કરી દીધો પણ ઠરાવ પસાર કરવાથી કલમ 370 પાછી નથી આવવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version