PMની અપીલ બાદ VIP કલ્ચરને બ્રેક: પ્રધાનોએ છોડયો લકઝરી કાફલો

  મુખ્યમંત્રી માત્ર બે કારમાં રાજુલા પહોંચ્યા, રાજ્યપાલે વિમાન- હેલિકોપ્ટરનો ત્યાગ કર્યો, હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ રદ, તમામ પ્રધાનો ‘ત્યાગ’ના માર્ગે પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો ઘટાડવા વર્ચ્યુઅલ…

 

મુખ્યમંત્રી માત્ર બે કારમાં રાજુલા પહોંચ્યા, રાજ્યપાલે વિમાન- હેલિકોપ્ટરનો ત્યાગ કર્યો, હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ રદ, તમામ પ્રધાનો ‘ત્યાગ’ના માર્ગે

પેટ્રોલ-ડિઝલનો ધૂમાડો ઘટાડવા વર્ચ્યુઅલ બેઠકો યોજવા સુચના, સી.આર. પાટીલે એસ્કોર્ટ અને પાયલોટિંગ કાર છોડી

વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડવા કરેલી અપીલના પગલે ગુજરાતના વીઆઇપી કલ્ચર ઉપર સૌ પ્રથમ અસર થઇ છે અને રાજયપાલથી માંડી મુખ્યમંત્રી અને મંત્રીઓએ પોતાની સરકારી કારોના કાફલામાં રાતોરાત ઘટાડો કરી નાખ્યો છે તેમજ વિદેશ પ્રવાસોને પણ બ્રેક મારવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજથી જ પોતાના કાફલામાં ધરખમ ઘટાડો કર્યો છે અને માત્ર બે કારમાં રાજુલા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બાદ તમામ પ્રધાનોએ પણ પોતાના વાહનોના રસાલા ઘટાડવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પોતે પોતાના સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દઈને સમગ્ર દેશને પર્યાવરણ સંરક્ષણ અને સાદગીનો પ્રેરક સંદેશ આપ્યો છે. પીએમની આ પહેલથી હવે વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આ માર્ગદર્શનને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોતાના સુરક્ષા કોન્વે અને કાર્યશૈલીમાં તાત્કાલિક અસરથી મોટો ફેરફાર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પેટ્રોલ-ડીઝલની કરકસરના હેતુથી પોતાના કાફલામાંથી 4 ગાડીઓ દૂર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રીનો કાફલો જે અગાઉ ઘણો મોટો રહેતો હતો, તેના બદલે માત્ર 3 ગાડીઓનો જ રહેશે. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે જ્યારે તેઓ વિવિધ જિલ્લાઓના પ્રવાસે જશે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવતા વધારાના સુરક્ષા વાહનોનો તેઓ ઉપયોગ કરશે નહીં. આ નિર્ણયનો પ્રત્યક્ષ અનુભવ અમરેલીના રાજુલા ખાતે જોવા મળ્યો હતો, જ્યાં મુખ્યમંત્રી એક હોસ્પિટલના કાર્યક્રમમાં 10થી વધુ વાહનોના બદલે માત્ર 2 કાર સાથે પહોંચ્યા હતા.

હર્ષભાઈ સંઘવીએ યુએસ પ્રવાસ રદ કર્યો
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઈંધણ અને સમયના બચાવ માટે મહત્વના વહીવટી સુધારા કર્યા છે. હર્ષભાઈ સંઘવીએ નિર્ણય લીધો છે કે હવે ગૃહ વિભાગની સમીક્ષા બેઠકોમાં બહારગામના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર રૂૂબરૂૂ બોલાવવાને બદલે વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલી જોડવામાં આવશે. આ પગલાથી અધિકારીઓની મુસાફરીમાં વપરાતા ઈંધણની મોટી બચત થશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાના અંગત કાફલામાં ઘટાડો કર્યો છે અને હવે તેમના કાફલામાં પણ માત્ર 3 જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકામાં યોજાનાર ગુજરાતી ક્ધવેન્શનમાં હાજરી આપવાનો કાર્યક્રમ પણ રદ કર્યો છે.

રાજયપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે જ્યાં સુધી પેટ્રોલિયમ સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી તેઓ રાજ્યમાં પ્રવાસ માટે હેલિકોપ્ટરને બદલે ટ્રેન અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. વધુમાં તેમણે યુનિવર્સિટીઓમાં સપ્તાહમાં એક દિવસ ’કમ્બશન એન્જિન મુક્ત’ દિવસ રાખવા સૂચના આપી છે.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ પ્રફુલ પાનશેરિયા અને કાંતિ અમૃતિયાએ પણ પોતાના કાફલામાંથી પાયલોટિંગ અને એસ્કોર્ટિંગ વાહનો દૂર કરવાનો મોટો નિર્ણય લીધો છે. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી ઇંધણની બચત કરવા અને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાતના નેતૃત્વએ સાદગી અને ત્યાગનો રાહ ચિંધ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી રાજ્યની અંદરના કોઈપણ કાર્યક્રમ માટે તેઓ હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીનો ઉપયોગ કરશે નહીં. તેના બદલે તેઓ રાજ્યમાં પ્રવાસ માટે ટ્રેન, એસ.ટી. બસો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં ન્યૂનતમ ગાડીઓ રાખવા સૂચના આપી છે, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે.

સી.આર. પાટીલ
આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રના હિતમાં યોગદાન આપવાનો છે. સી.આર. પાટીલે પણ આ નિયમનો અમલ શરૂૂ કરી દીધો છે અને તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં એસ્કોર્ટ કે પાયલોટ ગાડી વગર જ રવાના થયા હતા. કેન્દ્રીય મંત્રીના આ નિર્ણયથી અન્ય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મંત્રી મંડળોને પણ કરકસર માટે પ્રેરણા મળશે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, જ્યારે દેશ અને દુનિયા ક્રૂડ ઓઈલની કટોકટીનો સામનો કરી રહી હોય, ત્યારે એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું એ આપણી ફરજ છે.

તમામ યુનિવર્સિટીને એક દિવસ વાહન મુક્ત ઉજવવા નિર્દેશ
રાજ્યપાલે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ ’કમ્બશન એન્જિન મુક્ત’ દિવસ તરીકે ઉજવે. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપે. સાથે જ તેમણે પ્રશાસનના તમામ અધિકારીઓ-કર્મચારીઓને પણ નિર્દેશ આપ્યા છે કે, તેઓ સરકારી કામોમાં બિનજરૂૂરી વાહનોનો ઉપયોગ બંધ કરે અને ઇંધણ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરે. રાજ્યપાલ મહોદયના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.