આયર્લેન્ડ સામે ભારતની કારમી હારના કારણો, કેપ્ટન શ્રેયસ અય્યરે ભૂલ સ્વીકારી
26 જૂન (શુક્રવાર) ની તારીખ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહેશે. આ દિવસે ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામેની પ્રથમ T20I મેચમાં 34 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ક્રિકેટ ઇતિહાસમાં આયર્લેન્ડે કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હોય તેવું આ પહેલી વાર હતું.
આ હાર સાથે ટીમ ઈન્ડિયાનું આયર્લેન્ડ સામે એક તરફી શાસન સમાપ્ત થઈ ગયું. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્ટાર્સથી ભરપૂર ભારતીય ટીમ એવી આઈરીશ ટીમ સામે કેમ હારી ગઈ જેમાં છ મુખ્ય ખેલાડીઓ ઈજાને કારણે રમી રહ્યા ન હતા? આઈરીશ ટીમમાં તેમની પહેલી મેચ રમી રહેલા બે ખેલાડીઓ પણ સામેલ હતા. ભારતની હારના ત્રણ મુખ્ય કારણોમાં.
1- ટોસ જીત્યા પછી બોલિંગ પસંદ કરવી: ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડની પીચ બેટિંગ માટે આદર્શ હતી, જેના કારણે જો ભારતીય ટીમ પહેલા બેટિંગ કરે તો તે 200 રનથી વધુનો સ્કોર બનાવી શકતી હતી. આયર્લેન્ડ માટે આટલા મોટા સ્કોરનો પીછો કરવો સરળ ન હોત, પરંતુ કેપ્ટન ઐયરે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા આયર્લેન્ડે કુલ 182 રન બનાવ્યા, જે લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
2- પ્રસિદ્ધ કૃષ્ણાને 4 ઓવર બોલિંગ કરાવવી: ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા શરૂૂઆતથી જ ખરાબ ફોર્મમાં દેખાતો હતો. તેણે પોતાની પહેલી ઓવરમાં 15 રન આપ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાની મોંઘી ઓવર હોવા છતાં કેપ્ટન શ્રેયસ ઐયરે તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને તેને સંપૂર્ણ ચાર ઓવર બોલિંગ કરાવી. ત્રણ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા 10 ની ઇકોનોમી પર 30 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં. આમ છતાં તેને ચોથી ઓવર આપવામાં આવી, જેમાં તેણે 27 રન આપ્યા, જોકે શ્રેયસ પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હતા.
તેણે પોતાની ચાર ઓવરમાં સૌથી વધુ 57 રન આપ્યા. 3- બેટ્સમેનો ઝડપથી રમ્યા કોઈ ભાગીદારી ન બની: ભારતીય બેટ્સમેનો લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઉતાવળમાં દેખાતા હતા. તેઓએ સારી શરૂૂઆત કરી. શ્રેયસ ઐયર આઉટ થતાં ટીમે 60 રન પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ, 80 રન પર ચોથી વિકેટ પડી જ્યારે અભિષેક શર્મા અડધી સદી ફટકારીને પેવેલિયન પાછો ફર્યો. ચાર વિકેટ ગુમાવ્યા પછી પણ ભારતીય બેટ્સમેનોએ આક્રમક વલણ અપનાવ્યું, જેના કારણે વિકેટો ઝડપથી ગુમાવવી પડી. વચ્ચેની ઓવરોમાં કોઈ નોંધપાત્ર ભાગીદારી બની ન હતી, જે ભારતની હારનું મુખ્ય કારણ હતું.
આયર્લેન્ડ સામેની પહેલી ટી-20 મેચમાં હાર બાદ ભારતીય ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે મેચનું નિખાલસ વિશ્ર્લેષણ કર્યું હતું. કેપ્ટનશીપ ડેબ્યૂમાં જ મળેલી હાર બાદ તેણે કહ્યું કે ટીમ માટે આ પરિણામ નિરાશાજનક છે, પરંતુ હવે આ હારને પાછળ છોડીને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. શ્રેયસ અય્યરે કહ્યું કે ભારતીય બોલરોએ શરૂૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નવી બોલથી સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો સારો ઉપયોગ કરીને શરૂૂઆતની વિકેટો મેળવી હતી. જોકે, મધ્ય ઓવરોમાં બેટ્સમેનોને સરળતાથી રન બનાવવા દીધા અને અંતિમ ઓવરોમાં રન રોકવામાં ટીમ નિષ્ફળ રહી. તેના મતે આયર્લેન્ડને 140 રનની આસપાસ રોકી શકાય તેમ હતું.
કેપ્ટને હર્ષિત રાણા અને શિવમ દુબેના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી. હર્ષિતે ઈજામાંથી પરત ફરીને અસરકારક બોલિંગ કરી હતી, જ્યારે શિવમે પણ મહત્વપૂર્ણ ઓવરોમાં નિયંત્રિત બોલિંગ કરીને ટીમને મદદ કરી હતી. શ્રેયસે કહ્યું કે બંને ખેલાડીઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી.
પહેલી મેચ, પહેલો બોલ, પહેલી વિકેટ
આયર્લેન્ડ સામેની પહેલી ટી-20 મેચમાં ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલર પર વિકેટ લીધી હતી. તેણે સંજુ સેમસનને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે જય મુન્દ્રા આયર્લેન્ડનો પ્રથમ ઝડપી બોલર બન્યો જેણે તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પહેલા બોલે વિકેટ લીધી હોય. જય મુન્દ્રાની વાત કરીએ તો, આ ખેલાડી રાજસ્થાન, ભારતનો વતની છે. તે 24 વર્ષની ઉંમરે અભ્યાસ માટે આયર્લેન્ડ આવ્યો હતો, જ્યાં તેણે ક્લબ ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું, અને હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે.
