ગુજરાત
દિવાળીએ પણ ઇશ્ર્વરિયા પાર્કમાં બોટિંગ બંધ
નવા નિયમોની અમલવારી શક્ય ન હોવાનું ગાણું ગાતું કલેક્ટર તંત્ર
વડોદરાના હરણી બોટકાંટ બાદ રાજ્ય સરકાર દ્વારા બોટિંગ પર મનાઇ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવિટી માટે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમો-2024 નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. આ નવા કાયદાની જોગવાઇ મુજબ તેની અમલવારી હાલ થઇ શકે તેમ ન હોય દિવાળીના તહેવારમાં રાજકોટવાસીઓને ઇશ્ર્વરીયા પાર્કમાં બોટિંગની સુવિધા મળશે નહીં તેમ ચર્ચા રહ્યું છે.
રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, સરકારે બોટિંગ માટેના નવા નિયમો જાહેર કર્યા છે જે મુજબ ઇશ્વરિયા પાર્કની બોટની ફિટનેશ ચકાસવાની બાકી છે. આ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને જાણ કરાશે અને તેઓ દ્વારા બોટની ફિટનેશ ચકાસી આપવામાં આવશે ત્યારબાદ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ બોટિંગ ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે.
હાલમાં દિવાળીના તહેવારોમાં બોટિંગ ચાલુ કરવું શક્ય નથી તેથી ચાલુ કરવામાં આવશે નહીં. જ્યારે સોમવારે ઇશ્વરિયા પાર્કમાં રજા હોય છે ત્યારે તહેવારોમાં સોમવારે ઇશ્વરિયા પાર્ક ચાલુ રાખવા અંગે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ નિર્ણય લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇશ્વરિયા પાર્કમાં દર વર્ષે દિવાળીના તહેવારોમાં હજારો લોકો ફરવા આવતા હોય છે અને બોટિંગની મજા માણતા હોય છે, પરંતુ હરણી બોટકાંડની દુર્ઘટના બાદ ઇશ્વરિયા પાર્ક ખાતે બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા નિયમો બનાવાયા હતા જે અમલ તાત્કાલિક થઈ શકે તેમ નથી.
સામાન્ય રીતે ઈશ્વરીયા પાર્ક ખાતે દિવાળીના તહેવાર દરમિયાન બોટિંગ માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે પણ બોટીંગ સેવા બંધ થતાં રાજકોટ વાસીઓ નિરાશ જોવા મળશે. અને સામાન્ય રીતે દિવાળી બાદ તળાવમાં પાણી ઓછું થઈ જતું હોય છે. જેમના કારણે બોટિગ સુવિધા પણ બંધ કરી દેવામાં આવતી હોય છે. રાજકોટ વાસીઓ દિવાળીના તહેવાર દરમિયાન આ બોરટિગનો લાભ મોટી સંખ્યામાં લેતા હોય છે.