Site icon Gujarat Mirror

ભાજપનો મેજિક શો: ક્રોસ વોટિંગથી રાજ્યસભાના પરિણામો પલટાવ્યા

બિહારમાં ચાર ધારાસભ્યો ‘ઘેર હાજર’ રહેતા એનડીએને પાંચેય બેઠકો મળી ગઇ: ઓરિસ્સામાં બીજેડીમાં તોડફોડ કરી : હરિયાણામાં રસાકસી

બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં NDAને જીત મળી છે. બિહાર સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડી રાત સુધી જાહેર થયા છે. બિહાર, ઓડિશા અને હરિયાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જે બાદ બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની તમામ પાંચ બેઠકો NDAએ જીતી લીધી છે, જ્યારે ઓડિશામાં BJD અને કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપને બે બેઠકો મળી છે. હરિયાણામાં ચૂંટણી પરિણામોમાં વિવાદોના કારણે મતગણતરી લગભગ 5 કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા.

દેશના 10 રાજ્યોમાં સોમવારે રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. બાકીની 11 બેઠકો માટે બિહાર, ઓડિશા અને હરિયાણામાં મતદાનની જરૂૂર પડી હતી. બિહારમાં 5, ઓડિશામાં 4 અને હરિયાણામાં 2 બેઠકો હતી. હરિયાણામાં બેલેટ પેપરની ગોપનિયતા ભંગ અંગે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે મતગણતરી 5 કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા. સૌથી વધુ ધ્યાન બિહારની રાજ્યસભા ચૂંટણીએ ખેંચ્યું હતું. અહીંથી મુખ્યમંત્રી નીતિશકુમાર, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ કુમાર NDAના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. NDAએ બિહારની તમામ પાંચ રાજ્યસભા બેઠકો પર જીત મેળવી છે. એક બેઠક માટે NDA અને મહાગઠબંધનના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, મહાગઠબંધનના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા હતા, જેનો ફાયદો NDA ના ઉમેદવારને મળ્યો હતો.

ઓડિશામાં BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગના આધારે ભાજપે ખેલ પાડીને 2 રાજ્યસભા બેઠકો જીતી લીધી. ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બેલેટ પેપરની ગોપનિયતાના ભંગ અને મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોને કારણે મતદાન પ્રક્રિયામાં થોડીવાર માટે વિક્ષેપ પણ આવ્યો હતો. અનેક BJD અને કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને પક્ષમાં બળવો કરી ભાજપને ફાયદો પહોંચાડ્યો. સૂત્રો અનુસાર ઇઉંઉના અંદાજે આઠ ધારાસભ્યોએ ભાજપ માટે ક્રોસ-વોટિંગ કર્યું હતું.

હરિયાણામાં પણ ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ એક બીજા પર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ ચૂંટણી પંચને પત્ર લખીને હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં ’દખલગીરી’નો આરોપ લગાવ્યો હતો. મોડી રાત્રે ચૂંટણી પંચે ભાજપના ધારાસભ્ય અનિલ વિજના મતને અમાન્ય કરવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. અનિલ વિજનો મત માન્ય રહ્યો હતો. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ભરત બેનીવાલના મતને પણ ચૂંટણી પંચે માન્ય રાખ્યો હતો. જ્યારે અન્ય એક કોંગ્રેસ ધારાસભ્ય પરમવીર સિંહના મતને અમાન્ય કરવાની ભાજપની અરજી ચૂંટણી પંચે સ્વીકારી હતી. ત્યારબાદ હરિયાણા રાજ્યસભા ચૂંટણીની મતગણતરી શરૂૂ થઈ હતી. હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. અંતે કોંગ્રેસના કરમવીર સિંહ બૌધ અને ભાજપના સંજય ભાટિયાની જીત થઈ છે.

Exit mobile version