નીટના પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના પગલે દેશભરના યુવાનોમાં ઉઠેલા આક્રોશ અને જેન-ઝીના ઉગ્ર આંદોલન બાદ કેન્દ્ર સરકારે પ્રથમ વખત પીછેહઠ કરી કેન્દ્રીય શિક્ષણમંત્રીને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. જેના કારણે મોદી સરકારની ઇમેજને ધક્કો પહોંચતા ભાજપમાં અચાનક આઇ સપોર્ટ મોદી કોમ્પેઇન શરૂ થયુ છે અને ભાજપના નેતાઓએ પી.એમ.મોદીને સપોર્ટ કરતા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
દેશ-વિદેશમાં જબરી લોકપ્રિયતા ધરાવતા અને સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વડાપ્રધાન મોદીની ઇમેજ જેન-ઝીના આંદોલનથી ખરડાઇ છે અને સોશિયલ મીડિયા ઉપર જ વડાપ્રધાન મોદી સામે છેલ્લા કેટલાક દિવસથી ભારે નકારાત્મક પ્રચાર શરૂ થયો છે. જેના કાઉન્ટર એટેકમાં ભાજપે ‘વિથ સપોર્ટ મોદી’ કેમ્પેઇન શરૂ કર્યાનુ માનવામાં આવે છે.
ભાજપના સુત્રોના કહેવા મુજબ ભાજપના હાઇ કમાન્ડ તરફથી કાર્યકરોને આ કેમ્પેઇન શરૂ કરવાની સુચના આપવામાં આવી છે અને આ માટે ભાજપની સોશિયલ મીડિયા આર્મી પણ કામે લાગી ગઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નીટની પરીક્ષાના પેપર લીક થતા 22 લાખથી વધુ પરીક્ષાર્થીઓ હેરાન થયા હતા અને ડિપ્રેશનમાં આવી 20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી લીધી હતી. પરંતુ સરકારે તાત્કાલીક ફેર પરીક્ષા લેવા સિવાય નેશનલ ટેસ્ટીંગ-પદાધિકારીઓ સામે પગલા નહીં ભરતા યુવાવર્ગમાં આક્રોશ ફેલાયો હતો. ધીરે ધીરે આ આક્રોશ હિંસક આંદોલનમાં પરિણમતા તથા કોક્રોચ જનતા પાર્ટી તેમજ વિરોધપક્ષોએ સરકારને ભીંસમાં મુકી દેતા લગભગ 30 દિવસ બાદ સરકાર જાગી હતી અને એન.ટી.એ.ના 47 અધિકારીઓ-કર્મચારીઓને બરતરફ કર્યા હતા.
આ ઉપરાંત ખુદ વડાપ્રધાને જેન-ઝી સ્ટાઇલમાં વીડિયો બનાવ્યા હતા તેમજ પેપર ફોડનારઓને 10 વર્ષની સજા તથા રૂા.10 કરોડના દંડ સુધીની જોગવાઇ કરવાની ખાતરી આપી હતી. પરંતુ આમ છતા યુવાનોનો આક્રોશ શાંત નહીં થતા અંતે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ આપવુ પડ્યુ હતું.
આ સમગ્ર ઘટનાક્રમથી દેશ-વિદેશમાં વડાપ્રધાન મોદીની ઇમેજને જબરો ધક્કો લાગ્યો છે. ખુદ ભાજપમાં અને ભાજપના સાથીપક્ષોમાં પણ વિદ્યાર્થીઓ ઉપર પોલીસે આચરેલા દમનનો અંદરખાને જબરો વિરોધ ઉઠ્યો હતો. તેમજ લોકોમાં પણ ભારે નારાજગી ફેલાઇ હતી. જો કે, હવે મામલો થાળે પડી જતા ભાજપે ‘વી સ્પોર્ટ મોદી’ અને ‘વિથ મોદી’નું કેમ્પેઇન શરૂ કર્યુ છે. જો કે, સોશિયલ મીડિયામાં આ કેમ્પેઇનની કેવી અસર થાય છે અને કેવા રિએક્શન આવે છે. તે તરફ સૌની નજર મંડાયેલી છે.
