રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના CMની રેસમાં ભાજપના બાવનકુલે, મોહોલેના નામ ઉમેરાયા
ફડણવીસના બદલે પછાત વર્ગ અથવા મરાઠા સમુદાયમાંથી નેતા ચૂંટી શકે છે ભાજપ
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠક છતાં, નવી સરકારની રચના અંગેની સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી રાજ્યમાં અટકળોએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.
આમ છતાં તેઓ હજી સુધી તેના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરી શક્યા નથી. શુક્રવારે પણ દિવસભર ધારાસભ્યોને નેતાઓની પસંદગી માટે બોલાવવામાં આવ્યા ન હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી બે દિવસ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે નહીં. આ પ્રક્રિયામાં વિલંબને કારણે હવે ભાજપ મુખ્યમંત્રી પદ માટે નવો ચહેરો રજૂ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
ગુરુવારે મોડી રાત્રે અમિત શાહ સાથે મહારાષ્ટ્રના નેતાઓની બેઠકમાં પણ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં માત્ર એવા સંકેતો આપવામાં આવ્યા છે કે મુખ્યમંત્રી ભાજપના જ હશે. પરંતુ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર પણ કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી નથી.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાજપ, એનસીપી અને શિવસેનાના નેતાઓ મુંબઈ પરત ફરશે અને સરકાર બનાવવાની પ્રક્રિયા પર વાતચીત શરૂૂ કરશે. પરંતુ દિલ્હીથી પરત ફર્યા બાદ શિવસેના નેતા એકનાથ શિંદે શુક્રવારે સવારે જ પોતાના ગામ જતા રહ્યા છે. હવે શિવસેનાના મુંબઈ સ્થિત નેતાઓએ કહ્યું કે સરકારની રચના માટે કોઈપણ વાટાઘાટો ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કર્યા પછી જ આગળ વધી શકે છે.
જ્યારે વાત આગળ વધશે ત્યારે શિંદે પરત ફરશે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓના નામ પણ ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં આવી ગયા છે. જેમાં અન્ય પછાત વર્ગમાંથી આવતા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મરાઠા સમુદાયમાંથી આવતા પૂણેના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી મુરલીધર મોહોલના નામનો સમાવેશ થાય છે.