Site icon Gujarat Mirror

3 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ હારશે : સટ્ટા બજારમાં અવળો પવન

બંગાળમાં દીદીની જીતના 66 પૈસા સામે ભાજપના 1.16 રૂપિયાનો ભાવ, તામિલનાડુમાં 9 પૈસા સાથે DMK હોટ ફેવરિટ, કેરલમમાં CPI(M)ના 63 સામે કોંગ્રેસનો 2.16 રૂપિયાનો ભાવ છે

દેશના રાજકીય માહોલમાં અત્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે, પરંતુ આ લડાઈ માત્ર મતદાન મથકો સુધી સીમિત નથી. દેશભરનું ’સટ્ટા બજાર’ અત્યારે આ ચૂંટણી પરિણામોને લઈને ભારે સક્રિય બન્યું છે. બુકીઓ અને પંટરોના ગણિત મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) માટે આગામી પરિણામો આંચકાજનક સાબિત થઈ શકે તેમ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળમાં ભાજપની હારના વરતારા સાથે સટ્ટા બજારમાં કરોડો રૂૂપિયાના દાવ ખેલાઈ રહ્યા છે.

સૌથી વધુ રસાકસી પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. ભાજપે બંગાળ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હોવા છતાં, સટ્ટા બજારના આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. બજારના તાજા ભાવ મુજબ તૃણમૂલ કોંગ્રેસ (TMC) 66 પૈસા અને ભાજપ 1.16 રૂૂપિયા બોલાઈ રહ્યો છે.

સટ્ટા બજારના નિયમ મુજબ, જેનો ભાવ ઓછો તેની જીતવાની શક્યતા વધુ હોય છે. મમતા બેનર્જીની જીત પર 66 પૈસાનો ભાવ એ દર્શાવે છે કે બુકીઓ તેમને ફરીથી સત્તા પર જોઈ રહ્યા છે. બીજી તરફ, ભાજપનો ભાવ 1 રૂૂપિયાથી ઉપર હોવાથી પંટરો ભાજપની જીત પર જોખમ લેતા ખચકાઈ રહ્યા છે.

ચૂંટણીના પરિણામો જાહેર થવાને હજુ વાર છે, પરંતુ બુકીઓ અત્યારથી જ એક્ટિવ થઈ ગયા છે. અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મોટા કેન્દ્રો પરથી કરોડો રૂૂપિયાનો સટ્ટો ઓપરેટ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, આ પાંચ રાજ્યોની ચૂંટણી પર કુલ રૂૂ. 5,000 કરોડથી વધુનો સટ્ટો રમાય તેવી શક્યતા છે. સટ્ટા બજાર હંમેશા ગ્રાઉન્ડ રિપોર્ટ અને સ્થાનિક સેન્ટિમેન્ટ પર કામ કરે છે. અત્યારે બંગાળ અને દક્ષિણના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું પલડું ભારે દેખાઈ રહ્યું છે.

જેની સીધી અસર ભાવો પર પડી રહી છે. ભૂતકાળમાં ઘણી વખત સટ્ટા બજારના અનુમાનો ખોટા પણ સાબિત થયા છે, પરંતુ મોટાભાગે તેમનું ગણિત રાજકીય પંડિતો કરતાં વધુ સચોટ રહેતું હોય છે કારણ કે તેમાં સીધા નાણાકીય હિતો જોડાયેલા હોય છે. ભાજપ માટે આ વરતારા ચિંતાજનક છે, કારણ કે જો આ પરિણામો હકીકતમાં બદલાય તો કેન્દ્ર સરકારની લોકપ્રિયતા પર પણ સવાલો ઉઠી શકે છે. હવે જોવાનું એ રહેશે કે, મતપેટીમાંથી નીકળતા જનાદેશ સટ્ટા બજારના આ ’66 પૈસા’ અને ’9 પૈસા’ના ગણિતને સાચું ઠેરવે છે કે પછી ભાજપ કોઈ મોટો ઉલટફેર કરવામાં સફળ રહે છે.

તામિલનાડુમાં DMK ક્લિન સ્વિપ તરફ, કેરળમાં ’લાલ’ લહેર
દક્ષિણ ભારતના રાજકારણમાં ભાજપ માટે રસ્તો વધુ કઠિન દેખાઈ રહ્યો છે. તામિલનાડુમાં તો સ્થિતિ એવી છે કે વિપક્ષી ગઠબંધન DMK સામે કોઈ ટકી શકે તેમ નથી. સટ્ટા બજારમાં DMK નો ભાવ માત્ર 9 પૈસા બોલાઈ રહ્યો છે, જેનો અર્થ છે કે તેમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે સત્તાધારી AIADMK અને ભાજપના ગઠબંધન પર કોઈ મોટો દાવ લગાવવા તૈયાર નથી. કેરળની વાત કરીએ તો, ત્યાં પણ ડાબેરી મોરચો (LDF) સત્તા જાળવી રાખે તેવા સંકેતો છે. કેમકે CPI(M)ના 63 પૈસા અને કોંગ્રેસ (UDF)ના 2.16 રૂૂપિયા બોલાઈ રહ્યા છે. કેરળમાં ભાજપ હજુ પણ ત્રીજા સ્થાને સંઘર્ષ કરતી દેખાય છે, અને બુકીઓના મતે મુખ્ય લડાઈ ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે જ છે, જેમાં ડાબેરીઓનો પક્ષ ભારે છે.

Exit mobile version