સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોના કુલ 202 ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી દીધા છે. જો કે, આ લિસ્ટ ડુપ્લિકેટ હોવાનું માનવામાં આવે છે. ભાજપના જ કોઈ જાણકાર કારીગરે આ લીસ્ટ જાહેર કર્યું છે ત્યારે આ લિસ્ટ ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યું છે કે, ડુપ્લિકેટ લિસ્ટ છે તે અંગે ચર્ચા જાગી છે. કોઈ લોકો આ લિસ્ટ સાચુ હોવાનું અને પ્રત્યાઘાતો જાણવા લીક કરાયાનું જણાવી રહ્યાં છે જ્યારે અમુક લોકો આ લિસ્ટ સંપૂર્ણ નકલી હોવાનું જણાવી રહ્યાં છે. આજે બપોરે અઢી વાગ્યા બાદ રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોના ભાજપના ઉમેદવારોનું આ લિસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ લિસ્ટ અંગે ભાજપના કોઈ નેતાઓ પણ જવાબ આપવા તૈયાર નથી. મોટાભાગના નેતાઓના ફોન નો રિપ્લાય થઈ રહ્યાં છે. હાલ કોઈ નેતાઓ યાદી અંગે ખરાઈ કરી શકતા નથી.
