મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારોનો વધારો શંકાસ્પદ; કર્ણાટકમાં પણ ગરબડ; દેશમાં મોટાપાયે બોગસ વોટિંગ થાય છે: એક જ વ્યક્તિના નામે અનેક વોટર આઇડી, એકથી વધુ રાજ્યમાં મતદાન, એક જ સરનામે અનેક મતદારોના દાખલા આપ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મતદાર યાદી ચકાસણીમાં ગેરરીતિઓ અંગે ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકની મતદાર યાદી બતાવી અને આ બંને રાજ્યોની મતદાર યાદીમાં નકલી મતદારોનો આરોપ લગાવ્યો. તેમણે એક મતદાર એકથી વધુ મતદાન મથકે નોંધાયાના, એકથી વધુ રાજ્યમાં મતદાન કરતો હોવાનું અને એક જ સ્થળે અનેક મતદારોના સરનામા હોવાનો પુરાવો પણ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે બંધારણનો પાયો મત છે. આવી સ્થિતિમાં, આપણે વિચારવું પડશે કે શું યોગ્ય લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે? શું મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવામાં આવ્યા હતા? મહારાષ્ટ્રની ચૂંટણીઓ ચોરી થઈ હતી. અમે મહારાષ્ટ્રમાં ચૂંટણી હારી ગયા. મહારાષ્ટ્રમાં 40 લાખ રહસ્યમય મતદારો છે. પાંચ મહિનામાં અહીં ઘણા મતદારો ઉમેરવામાં આવ્યા. ચૂંટણી પંચે મતદાર યાદી અંગે જવાબ આપવો જોઈએ.
તેમણે જણાવવું જોઈએ કે મતદાર યાદી સાચી છે કે ખોટી? તેમણે દાવો કર્યો કે મતદાન મથકોના સીસીટીવી ફુટેજ દુર કરાયા હતા. પાંચ વાગ્યા પછી મતદાનમાં અસાધારણ વધારો થયો હતો.
ગત લોકસભાની ચુંટણી વિશે એમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમે જીતી ગયા હતા પરંતુ વિધાનસભાની ચુંટણીમાં એથી ઉલટું થયું. એકઝીટ પોલ પણ ખોટા પડયા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતું? અમે વારંવાર કમિશન પાસે ડેટા માંગ્યો પણ તે અમને આપવામાં આવ્યો નહીં. ચૂંટણી પંચે અમને જવાબ આપવાનો પણ ઇનકાર કર્યો.
તેમણે કહ્યું કે દેશમાં નકલી મતદાન થઈ રહ્યું છે. આ ચોરી પકડવામાં અમને ઘણો સમય લાગ્યો. અમે અમારા સ્તરે તપાસ કરી, જેમાં અમને છ મહિના લાગ્યા. અમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકના મહાદેવપુરની તપાસ શરૂૂ કરી. અમે મહાદેવપુર બેઠક 32707 મતોથી હારી ગયા. ભાજપે આ બેઠક એક લાખથી વધુના માર્જિનથી જીતી. આનાથી અમને શંકા ગઈ કે કંઈક ગડબડ છે.
તેમણે કહ્યું કે અમારી તપાસમાં મતદાર યાદીમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી છે. આ મતદાર યાદીમાં ઘણા લોકોના પિતાના નામ આગળ કંઈપણ લખાયેલું છે. મતદાર યાદીમાં 40 હજાર ઘરોના સરનામા શૂન્ય છે. ડુપ્લિકેટ મતદારોની સંખ્યા ખૂબ વધારે છે. ત્રણ વખત મતદાન કરનારા 11 હજાર શંકાસ્પદ લોકો છે. આ લોકો ક્યાંથી આવી રહ્યા છે? એક જ સરનામે 46 મતદારો છે. આ ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચેની મિલીભગત છે.
રાહુલના મતે મત ચોરી પાંચ રીતે થાય
* ડુપ્લિકેટ મતદારો
* નકલી અને અમાન્ય સરનામાં
* એક જ સરનામે અસંખ્ય મતદારો
* અમાન્ય ફોટા
* ફોર્મ 6 નો દુરૂપયોગ

