નામંજૂર 131માં સુધારા ખરડા કરતા 132મું બીલ 4 વાતે અલગ

કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં ’બંધારણ (132મો સુધારા) ખરડો, 2026’ રજૂ કરવા જઈ રહી છે. આ ખરડાનો ઉદ્દેશ્ય નવા સીમાંકન પ્રક્રિયા દ્વારા સંસદ તેમજ રાજ્યો અને…

કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં ’બંધારણ (132મો સુધારા) ખરડો, 2026’ રજૂ કરવા જઈ રહી છે. આ ખરડાનો ઉદ્દેશ્ય નવા સીમાંકન પ્રક્રિયા દ્વારા સંસદ તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ અનામત લાગુ કરવાનો છે. આ પ્રસ્તાવિત કાયદો, એપ્રિલ મહિનામાં લોકસભામાં નામંજૂર થયેલા ’બંધારણ (131મો સુધારા) ખરડા’ કરતાં અલગ છે. આ તફાવત મુખ્યત્વે સીમાંકન પ્રત્યેના અભિગમ, રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણી અને મતવિસ્તારોના પુન:નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાનારા વસ્તી ગણતરીના આંકડાઓને લઈને છે.

132મા સુધારા ખરડામાં સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, તેમાં લોકસભા અને દરેક રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભામાં બેઠકોની સંખ્યામાં એકસમાન 50 ટકાનો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નવા ખરડામાં લોકસભાની મહત્તમ સભ્યસંખ્યા વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે, જેમાં રાજ્યોમાંથી 815 સુધીના સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35 સભ્યોનો સમાવેશ થશે. આ ઉપરાંત, રાજ્ય વિધાનસભાઓની સભ્યસંખ્યાની મહત્તમ મર્યાદા પણ 500થી વધારીને 650 કરવાની દરખાસ્ત છે. અગાઉના 131મા સુધારા ખરડામાં તમામ રાજ્યો માટે બેઠકોમાં એકસમાન ટકાવારીમાં વધારો કરવાની કોઈ જોગવાઈ નહોતી.

નવા પ્રસ્તાવ મુજબ, દરેક રાજ્યની વર્તમાન સભ્યસંખ્યામાં 50 ટકાનો વધારો લાગુ કરવાથી, લોકસભામાં તે રાજ્યનો બેઠકોનો હિસ્સો મોટાભાગે જળવાઈ રહેશે. બંને પ્રસ્તાવો વચ્ચેનો બીજો તફાવત સીમાંકન માટે ઉપયોગમાં લેવાતા વસ્તી ગણતરીના આંકડાઓને લઈને છે.

વર્ષ 2023ના મહિલા અનામત કાયદામાં એવી જોગવાઈ હતી કે, આ અનામતનો અમલ તે કાયદો અમલમાં આવ્યા પછી યોજાનારી પ્રથમ વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત થયા બાદ, સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવશે.જોકે, નવો ખરડો એવી જોગવાઈ કરે છે કે, પ્રસ્તાવિત સુધારો અમલમાં આવે તે તારીખે ઉપલબ્ધ હોય તેવા સૌથી તાજેતરના પ્રકાશિત વસ્તી ગણતરીના આંકડાનો ઉપયોગ કરીને મતવિસ્તારોની સીમાઓ ફરીથી નક્કી કરી શકાશે. વ્યવહારિક રીતે આનો અર્થ એ છે કે, તેમાં 2011ની વસ્તી ગણતરીના આંકડાનો ઉપયોગ કરવામાં આવશે. સીટોની ફાળવણી અને મતવિસ્તારોની સીમાઓમાં કરાયેલા સુધારા 2051 સુધી અમલમાં રહેશે 132મો બંધારણીય સુધારા ખરડો પ્રસ્તાવ મૂકે છે કે સીમાંકન બાદ સીટોની સુધારેલી ફાળવણી અને મતવિસ્તારોનું વિભાજન 2051 સુધી અમલમાં રહે.

આ નવા પ્રસ્તાવમાં મહિલાઓ માટે – જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓનો પણ સમાવેશ થાય છે – એક-તૃતીયાંશ અનામતની જોગવાઈ છે. આ જોગવાઈ 2023ના સુધારાના અમલીકરણથી 15 વર્ષના સમયગાળા માટે લાગુ રહેશે. સંસદ પાસે કાયદા દ્વારા આ અનામત અવધિને લંબાવવાની સત્તા હશે.