જામનગર-રાજકોટ હાઇવે પર ટ્રક નીચે માથું ચગદાઇ જતાં બાઇકચાલકનું મોત

બે મિત્રો એકટીવામાં અલિયાબાડા તરફ જતા હતા ત્યારે ટ્રકે ફંગોળ્યા, પાછળ બેઠેલાની હાલત ગંભીર જામનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં…

બે મિત્રો એકટીવામાં અલિયાબાડા તરફ જતા હતા ત્યારે ટ્રકે ફંગોળ્યા, પાછળ બેઠેલાની હાલત ગંભીર

જામનગર જિલ્લામાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગર-રાજકોટ હાઇવે પર કોઠાવાલા ટી સ્ટોલ નજીક એક અજાણ્યા ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનું ટાયર મૃતકના માથા પર ફરી જતાં તેની ખોપરી ફાટી ગઈ હતી, અને હાઇવે પર બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, મૃતક મોહમ્મદ ગુલામ તૈયબહુશેન ગોસ પોતાના મિત્ર મોહમદ સરતાજભાઈ મોહમદ મંજુરશાહ સાથે એક્ટિવા પર અલીયાબાડા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા કોઠાવાલા ટી સ્ટોલ નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા ટ્રકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ દરમિયાન ટ્રકનું પૈડું મૃતકના માથા પર ફરી વળતાં તેને અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખોપરીના ભાગે જીવલેણ ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાછળ બેઠેલા મોહમદ સરતાજભાઈને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત બાદ હાઇવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે સર્જાયેલા દ્રશ્યો જોઈ ઉપસ્થિત લોકો પણ હચમચી ઉઠ્યા હતા. મૃતકના પરિવારજનો સુધી દુ:ખદ સમાચાર પહોંચતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ બનાવ અંગે પોલીસ દ્વારા એક્ટિવામાં પાછળ બેઠેલા અને ઇજાગ્રસ્ત બનેલા મોહમદ સરતાજભાઈ ની ફરિયાદ ના આધારે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે ફરાર ટ્રક અને તેના ચાલકને શોધવાના પ્રયાસો શરૂૂ કર્યા છે.