રાષ્ટ્રીય
ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો, દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ
મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ ઘટીને 5.4 ટકા થયો હતો, જે લગભગ બે વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર છે. આજે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 8.1 ટકા હતો.
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિનું અગાઉનું નીચું સ્તર 4.3 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધાયું હતું. જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર 4.6 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 3.5 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.7 ટકા હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઘટીને 2.2 ટકા થયો હતો, જ્યારે એક વર્ષ અગાઉ તેણે 14.3 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા આવવાથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જીડીપી વૃદ્ધિ છ ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જીડીપી ગ્રોથ 8.2 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 6.7 ટકા પર યથાવત રહી.
રાજકોષીય ખાધ 46.5 ટકા હતી
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ સાત મહિનામાં કેન્દ્રની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 46.5 ટકા સુધી પહોંચી ગઈ છે. આંજે સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટા અનુસાર, એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા દરમિયાન રાજકોષીય ખાધ રૂ. 7,50,824 કરોડ હતી. સરકારના ખર્ચ અને આવક વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં ખાધ બજેટ અંદાજના 45 ટકા હતી.
સામાન્ય બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 4.9 ટકા પર લાવવાનો અંદાજ મૂક્યો છે. આમ, સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજકોષીય ખાધને રૂ. 16,13,312 કરોડ સુધી સીમિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.